નીત નવી શોધખોળોએ માનવજીવન સરળ બનાવ્યું છે. સંશોધકો અને વિજ્ઞાનીઓ
અવનવી ટેક્નોલોજી શોધવામાં રાત-દિવસ લાગેલા રહે છે. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષથી
મોટાપાયે ટેક્નોલોજીનું પરિવર્તન થઇ રહ્યું છે અને સારી વાત એ છે કે, જન સામાન્યએ તેને ઉત્સાહભેર વધાવી લીધું છે.
જમાનો બદલાય એના સાથે કદમ મિલાવવા જરૂરી હોય છે. આજે ચાની નાની રેંકડી, પાણીપુરીના ખુમચા કે ચર્મકાર પણ ડિજિટલ ચૂકવણું સ્વીકારતા થઇ ગયા છે... ને
લોકો લેણદેણમાં સહજતાથી તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ બદલાવ સાથે એક અપેક્ષા એ રહે છે
કે, દુનિયાના સૌથી વિશાળ વસ્તીવાળા દેશમાં રોજગારીની નવી તકોનું
નિર્માણ થશે. વાસ્તવિક ચિત્ર જુદું છે. કૃત્રિમ બુદ્ધિમતા (આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ-એઆઇ)નો
પ્રસાર ઝડપભેર થઇ રહ્યો છે. મોબાઇલ કે કોમ્પ્યુટર દ્વારા એક કમાન્ડ માત્રથી એક કરતાં
વધુ વ્યક્તિનાં કામ થવા લાગ્યાં છે, એને લીધે કંપનીઓ વ્યવસાયકારોની કર્મચારી રાખવાની જરૂરિયાત
ઘટવા લાગી છે. તાજેતરમાં દેશની પ્રતિષ્ઠિત
મનાતી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) દ્વારા 12 હજારથી વધુ કર્મચારીઓને છૂટા
કરવાની જાહેરાત ચોંકવનારી છે. આ આંકડો કંપનીના કર્મચારીઓના કુલ આંકડાના બે ટકા છે.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) સેક્ટર પર સંકટનાં વાદળ ઘેરાઇ રહ્યાં છે. એ.આઇ. પ્રેરિત
ટેક્નોલોજીની માંગ વધી રહી છે. કંપનીઓ માટે ટેકનિકલ કામ લેવું સરળ બન્યું છે, એટલે
છટણી શરૂ થઇ છે. ટીસીએસ કહે છે કે, 12 હજાર કર્મચારી ઓછા કરવાનું કારણ કાબેલિયતનો અભાવ છે. વળી કંપની
દ્વારા વિકસિત થઇ રહેલા વ્યવસાયિક મોડેલમાં અમુક કર્મચારીની પુન:નિયુક્તિ અસંભવ જણાતાં
આકરું પગલું ભરવું પડયું. કંપનીના સીઇઓએ દાવો કર્યો છે કે, તેની પાછળ એઆઇ પ્રેરિત ઉત્પાદકીય વૃદ્ધિ નથી.
જો કે, ટાટા કન્સલ્ટન્સીનું પગલું આઇટી સેક્ટરમાં બીજી કંપનીઓને
અનુસરવા પ્રેરિત કરે એવી ભીતિ સેવાઇ રહી છે. નવી શોધ સમયની માંગ છે, પણ તેની કિંમત
કર્મચારીઓએ ચૂકવવી પડે એ કેવું ? એક હિન્દી અખબારના અહેવાલ મુજબ
ટીસીએસએ એઆઇના વિકાસ અને તેના પ્રશિક્ષણમાં મોટું મૂડીરોકાણ કર્યું છે. એટલું જ નહીં
સિનિયર કર્મચારીઓને પણ નોકરીમાં ચાલુ રાખવા સામે જોખમ લટકી રહ્યું છે. ચિંતાનો વિષય
એ છે કે, ટેક્નોલોજી સાથે કાર્યપદ્ધતિમાં પરિવર્તન જરૂરી બને
છે, મોટી દિગ્ગજ કંપનીઓને પોસાઇ શકે પણ નાની કંપનીઓ કે વ્યવસાયકારોનું
શું ? પશ્ચિમી દેશોમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું છે, વળી ત્યાં વરીષ્ઠો માટે, નાગરિકો માટે પણ મજબૂત સુરક્ષાછત્ર
છે. ખરો પડકાર ભારત જેવા રાષ્ટ્રો માટે છે. અહીં માનવતાની વિપુલતા છે, છતાં ધસમસતા આવી રહેલા બદલાવને રોકી શકવો શક્ય નથી. જરૂર છે તેની સાથે અનુકુલન
સાધવાના અને નવી ટેક્નોલોજીના સ્વીકાર માટે સજ્જ બનીને તાલીમ કુશળતા મેળવવાની.