ગાંધીધામ, તા. 3 : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા
દર મહિને સફાઈ પાછળ અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે અને હાલના
સમયે મહિને લગભગ 1.41 કરોડ રૂપિયા
ખર્ચ કરવામાં આવી રહ્યા છે તેમ છતાં સફાઈની સ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી. કમિશનરે
ચાર્જ સંભાળ્યા પછી બુધવારે અલગ અલગ વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ
તેમજ કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આગામી સમયમાં આ બાબતે સમીક્ષાઓ કરીને જરૂરી
નિર્ણય લેવામાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઇ રહી છે. મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીએ
નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ સાથે શહેરના લીલાશાહ વિસ્તાર, ગાંધી માર્કેટ તેમજ મુખ્ય બજાર સહિતના વિસ્તારોની
મુલાકાત લઇ સફાઈની કામગીરીનું નિરક્ષણ કર્યું હતું. સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના
કર્મચારીઓને સફાઈ બાબતે ગંભીર ટકોર કરી હતી. લાખો-કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે,
ગંદકીના ગંજ ખડકાયેલા છે. જ્યારે આંતરિક વિસ્તારોમાં તો સદંતર સફાઈનો
અભાવ, કચરાના ખડકાયેલા ઢગ, માખી મચ્છરોનો ઉપદ્રવ, રખડતા ઢોર સહિતની સમસ્યા વિકરાળ બની છે. જે ડસ્ટબીનો લગાડવામાં આવી રહ્યા છે
તેની પણ દેખરેખ રખાતી નથી. રોડ ઉપર રહેલી ધૂળ માટી લોકોનાં સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત
થઈ રહી હોવાના આક્ષેપો છે. સફાઈમાં એજન્સી
બદલાયા પછી પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. તત્કાલીન સમયની નગરપાલિકા વખતે જે પરિસ્થિતિ
હતી તેવી જ પરિસ્થિતિ વર્તમાન સમયમાં હોવાનું જાણકારો આક્રોશ સાથે કહી રહ્યા છે. મહાનગરપાલિકા બન્યાના આઠ મહિનાથી વધુનો સમયગાળો
વીતી ગયો છે, પણ સ્થિતિમાં સુધારો દેખાતા નથી. કમિશનરે આવતાની સાથે જ આ બધી કામગીરીઓની સમીક્ષા
શરૂ કરી છે અને આગામી દિવસોમાં પરિણામ મળે તેવી પણ સંભાવનાઓ છે. હાલ સફાઈની સ્થિતિનું નિરીક્ષણ કરીને અધિકારીઓ અને
કર્મચારીઓને જરૂરી આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. - 24 કલાક ફરિયાદ કંટ્રોલરૂમ
કાર્યરત કરવા સૂચના : લોકો કનડતી સમસ્યાઓની ફરિયાદો કરવા માટે
છેક મુખ્ય કચેરી સુધી ધક્કા ખાય છે તેમ છતાં લોકોને રોડ, રસ્તા, પાણી, ગટર, સફાઈ, લાઈટ સહિતની ફરિયાદો
હલ થતી નથી અને લોકો કચેરીના નંબર ઉપર ફોન કરે છે, ત્યારે ફોન
બંધ હાલતમાં હોય અથવા તો ઉપડતો નથી તેવી ફરિયાદો ઉઠી છે તે વચ્ચે મ્યુનિસિપલ કમિશનર
મનીષ ગુરવાનીએ જન સુવિધા કેન્દ્રમાં 24 કલાક ફરિયાદ કંટ્રોલરૂમ કાર્યરત કરવાની કડક સૂચના આપી છે. લોકોનો
ફોન આવે એટલે ઉપાડીને તેની ફરિયાદની નોંધ કરવાની છે અને તે ફરિયાદનો નિકાલ પણ ઝડપથી
કરવાનો છે તેવી સૂચનાઓ આપવામાં આવી છે.