• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

યમુનાનાં પાણી દિલ્હીમાં ઘૂસતાં ઉચાટ

નવી દિલ્હી, તા. 3 : યમુના નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને આ જળપ્રવાહ ઘણા નીચાણવાળા વિસ્તારો તરફ આગળ વધી રહ્યો છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને નદી કિનારે રહેતા પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરી છે. દરમિયાન, દિલ્હીમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જળ આયોગ (સીડબ્લ્યુસી)એ બુધવારે ચેતવણી આપી હતી કે, રાત્રે 8 વાગ્યા સુધીમાં યમુનાનું પાણીનું સ્તર 207.40 મીટર સુધી પહોંચી શકે છે. બીજીબાજુ સતલજ, રાવી અને બિયાસ નદીઓમાં પૂરનો સામનો કરી રહેલા પંજાબની ચિંતા બુધવારે વધુ વધી ગઈ હતી. કારણ કે, ભાખરા નાંગલ ડેમ અને પોંગ ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતાં પંજાબના રૂપનગર જિલ્લાના વહીવટીતંત્રે સ્થાનિક લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું. તો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભૂસ્ખલનથી સ્થિતિ બગડી હતી. બુધવારે આંતરિક અખાડા બજારમાં ભૂસ્ખલનમાં બે લોકો ફસાયા છે. બચાવ ટીમો તેમને શોધવામાં વ્યસ્ત છે, પરંતુ બપોર સુધી કોઈનો પત્તો લાગ્યો નથી. હિમાચલમાં ચોમાસાથી ભારે નુકસાન થયું છે. ભૂસ્ખલન, અચાનક પૂર અને ઘણી જગ્યાએ પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.  એક મીડિયા હેવાલ મુજબ, હવામાન વિભાગે આગામી બે દિવસ માટે દિલ્હીમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી સરકારે કહ્યું છે કે, યમુના કિનારે આવેલા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પૂર નિયંત્રણ કક્ષ 24 કલાક કાર્યરત છે અને હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. યમુનાના વધતા જળસ્તરને કારણે ઘણી વસાહતોમાં વિનાશ સર્જાયો છે. ટ્રાન્સ-યમુના વિસ્તારમાં ખાસ  કરીને મયૂર વિહાર ફેઝ-1, યમુના બજાર અને નજફગઢ વિસ્તારના ઝરોડા કલાન ગામમાં પાણી ઘૂસી ગયું છે.  બીજી તરફ પંજાબ, હરિયાણા, દિલ્હીથી લઈને પશ્ચિમ યુપી સુધી વરસાદ ચાલુ છે. જેના લીધે પૂરથી અસરગ્રસ્ત લોકોને બચાવવા અથવા પાણી કાઢવાના કામમાં વિલંબ થઈ રહ્યો છે. ઘગ્ગર નદીના કિનારે આવેલા મોહાલીના ઘણા વિસ્તારોમાં વહીવટીતંત્ર પણ સતર્ક છે. જ્યારે હિમાચલમાં ચોમાસાથી ભારે નુકસાન થયું છે. ભૂસ્ખલન, અચાનક પૂર અને ઘણી જગ્યાએ પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બુધવારે આંતરિક અખાડા બજારમાં ભૂસ્ખલનમાં બે લોકો ફસાયા છે. બચાવ ટીમો તેમને શોધવામાં વ્યસ્ત છે, પરંતુ બપોર સુધી કોઈનો પત્તો લાગ્યો નથી. હવામાન વિભાગે આગામી થોડા કલાકોમાં હિમાચલના બિલાસપુર, હમીરપુર, કાંગડા, કિન્નૌર, કુલ્લુ, મંડી, શિમલા, સિરમૌર, સોલનમાં મોટા ભાગના સ્થળે હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 

Panchang

dd