ભુજ, તા. 3 : શહેરની સંસ્કાર કોલેજમાં અભ્યાસ
કરતી 19 વર્ષીય છાત્રા સાક્ષી ખાનિયાનું
ગળું ચીરી કરપીણ હત્યાના ચકચારી બનાવમાં મુખ્ય આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરાના પાંચ
દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી જેલહવાલે કરાયો છે, જ્યારે સહઆરોપી જયેશ જયંતીજી ઠાકોરના એક દિવસના
રિમાન્ડ મંજૂર થયા છે. અત્યંત ઘૃણાસ્પદ અને ટોક ઓફ ધ ટાઉન બનેલા આ હત્યાકેસના તપાસકર્તા
એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. એ.એમ. પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે,
મોહિતના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાતાં જ્યુડિશિયલ કસ્ટડી જેલહવાલે
કરવા આદેશ મળ્યો હતો. દરમ્યાન મોહિતના જ હાથે છરીથી ઘાયલ થતાં સારવાર હેઠળના સહઆરોપી
જયેશ ઠાકોરની ગઇકાલે પોલીસે અટક કરી હતી અને આજે પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે ચીફ કોર્ટમાં રજૂ કરાતાં જજ જે.વી. બુટ્ટે એક દિવસના
રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકાર તરફે સરકારી
વકીલ આર.આર. પ્રજાપતિ હાજર રહી રિમાન્ડના મુદ્દા
રજૂ કરી દલીલો કરી હતી. ભારે ચર્ચાસ્પદ આ કેસની ઊંડાણપૂર્વકની તપાસ કરી વિગતો મેળવાઇ
હોવાનું તપાસકર્તા શ્રી પટેલે જણાવી ઉમેર્યું હતું કે, વહેલીતકે
ચાર્જશિટ તૈયાર કરી કેસ કોર્ટમાં મુકાશે, જેથી ન્યાયિક પ્રક્રિયા
ઝડપી બને. રિમાન્ડ દરમ્યાન અને છાનબીનમાં કેસ સંલગ્ન વિગતો અંગે પૂછતાં તેમણે જણાવ્યું
હતું કે, કેસને નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને મીડિયા સમક્ષ
વિગતો જાહેર ન કરી શકાય તેવું જણાવ્યું હતું.