• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

હવે ભારતમાં `રોબો ન્યાયમૂર્તિ' કરશે નિર્ણય

નવી દિલ્હી, તા. 2 : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો સતત વધી રહેલો વ્યાપ જોતાં આગામી દિવસોમાં ન્યાયતંત્રમાં મોટા બદલાવમાં એઆઈ માય લોર્ડ બની શકે છે, જે તારીખ પર તારીખ નહીં સીધો જ ફેંસલો સંભળાવશે! જો કે, જમીનોના કે નાના કેસોમાં તેનો ઉપયોગ કરાશે. રોબો જજ ટેકનિકને સમજવા અને તેનો ઉપયોગ કરવા સરકારે જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં જજો માટે તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. તે માટે જજોને વિદેશ પણ મોકલવામાં આવશે, જ્યાં એઆઈ ટેક્નોલોજીનો ન્યાયતંત્રમાં ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. વિદેશ જઈને જજો જોશે કે કેવી રીતે એઆઈના ઉપયોગથી કેસમાં મદદ મળે છે અને તેના ઉપયોગથી તંત્રને કેવી રીતે અદ્યતન અને ઝડપી બનાવી શકાય છે. રોબો જજનો સૌપહેલાં ખ્યાલ એસ્ટોનિયામાં શરૂ થયો હતો, જ્યાં 7000 યુરોથી ઓછાના વિવાદોમાં એઆઈની મદદથી ચુકાદો આપવામાં આવે છે. ચીનમાં પણ આવી ટેકનીકનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. હવે ભારત આ ખ્યાલને અપનાવવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે, એઆઈની મદદથી કચેરીઓમાં કામકાજ સરળ બની જશે. એટલું જ નહીં કોર્ટ પણ તેની મદદથી કામ કરશે. ભારતમાં પણ ન્યાયપાલિકા હવે એઆઈનો ઉપયોગ કરવા જઈ રહી છે. જેનો સૌથી મોટો ફાયદો એવા લોકોને મળશે જેઓ તુરંત ચુકાદો ઈચ્છે છે. એક કહેવત છે કે, ન્યાયમાં મોડું થવું એ ન્યાયથી વંચિત રહેવા સમાન છે, પરંતુ એઆઈની મદદથી નાના-મોટા કેસ જેવા કે ટ્રાફિક નિયમ તોડવાથી માંડી જમીનને લગતાં વિવાદોનો ઉકેલ ફટાફટ આવી જશે. એક રીતે કહી શકાય કે એઆઈ માય લોર્ડની ભૂમિકામાં આવી જશે. રોબો જજ એવું સાંભળીને એવું ન માની લેતા કે રોબોટ ન્યાયાધીશની ખુરશી પર બેસી જશે, પરંતુ ન્યાયપાલિકામાં એઆઈનો ઉપયોગ દરેક પ્રક્રિયાને સરળ બનાવશે. આ એક ટેકનીક છે, જેમાં કેસની લગતી માહિતી એકઠી કરવાથી માંડી પૂર્વ ચુકાદા, પૃષ્ઠભૂમિ, ડેટા પૃથક્કરણ ઝડપી થશે. 

Panchang

dd