નવી દિલ્હી, તા.3 : ભારતીય ક્રિકેટ
ટીમનો દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી છેલ્લ ઘણા સમયથી પરિવાર સાથે લંડનમાં વસવાટ કરી રહ્યો
છે. તે હવે ભારત ફક્ત ક્રિકેટ રમવા જ આવે છે. હવે વિરાટ કોહલીને લઇને મોટી ખબર સામે
આવી છે. બીસીસીઆઇએ તેના આ સ્ટાર ખેલાડીને વિશેષ સુવિધા અને છૂટ આપી છે. વન ડે કપ્તાન
રોહિત શર્મા, ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ
અને સ્ટાર બોલર જસપ્રિત બુમરાહના ફિટનેસ ટેસ્ટ બેંગ્લુરુમાં નવા એનસીએ સેન્ટરમાં થયા
હતા. જ્યારે કોહલીનો ફિટનેસ ટેસ્ટ બીસીસીઆઇની મેડિકલ ટીમની હાજરીમાં લંડનમાં થયો હતો.
જેમાં તે પાસ થયો છે. આથી આગામી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 3 મેચની વન ડે શ્રેણીમાં કોહલીનું રમવું નિશ્ચિત
બન્યું છે. જો કે બીસીસીઆઇ તરફથી કોહલીને મળેલ વિશેષ છૂટની ટીકા થઇ રહી છે. લોકો કહી
રહ્યા છે શું નિયમ બધા માટે એકસમાન નહીં ? બીસીસીઆઈએ દરેક ખેલાડી માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત કર્યો છે. 29 ઓગસ્ટે રોહિત શર્મા, શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ,
મોહમ્મદ સિરાઝ, પ્રસિધ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર જેવા બીજા ખેલાડીઓએ બેંગ્લુરુ ખાતે બીસીસીઆઇના સેન્ટર ફોર
એકસીલેંસમાં ફિટનેસ ટેસ્ટ આપ્યા હતા. જેમાં આ તમામે બ્રેંકો અને યો-યો ટેસ્ટ પાસ કર્યાં
હતા. જ્યારે કોહલી પરિવાર સાથે લંડનમાં હોવાથી તેને ત્યાંજ ફિટનેસ પરીક્ષણ આપવાની બીસીસીઆઈ
તરફથી મંજૂરી મળી હતી. અહેવાલ અનુસાર વિરાટ કોહલી સારા પોઇન્ટ સાથે ફિટનેસ ટેસ્ટ પસાર
કર્યો છે. એવું પણ જાણવા મળે છે કે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં બીસીસીઆઇ દ્વારા બેંગ્લુરુ
ખાતે કેએલ રાહુલ, નીતિશકુમાર રેડ્ડી, રવીન્દ્ર
જાડેજા અને ઋષભ પંત સહિતના બીજા કેટલાક ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે. આ ખેલાડીઓ
હાલ ઇજામાંથી બહાર આવી રહ્યા છે.