ગાંધીધામ, તા. 3 : મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા
મેઘપર બોરીચીનાં શ્યામ નગરમાં લાંબા સમયથી લોકોને પીવાનું પાણી મળતું નથી, જેના પગલે વિસ્તારવાસીઓ પાલિકા કચેરી પહોંચ્યા
હતા ને પાણી વિભાગના જવાબદારોને સમસ્યાથી અવગત કર્યા હતા. હંમેશાની જેમ ખાતરી અપાય
છે, પણ હવે લોકોને પીવાનું મળી રહે તે જરૂરી છે. ગાંધીધામ આદિપુર જોડિયાં શહેરો અને મહાનગરપાલિકામાં
સમાવેશ થયેલા મેઘપર કુંભારડી, મેઘપર બોરીચી, કિડાણા, અંતરજાળ, શિણાય,
ગળપાદરમાં પીવાનાં પાણીની સમસ્યાઓ હલ થતી નથી. ટપ્પર ડેમ ભરાયેલો છે ઉપરાંત નર્મદાનું પાણી પણ
આવી રહ્યું છે, છતાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પાણીની સમસ્યા
યથાવત્ છે. ડિસેમ્બર મહિનાના અંતથી લઈને અત્યાર સુધીમાં સમસ્યા હલ કરવામાં જનપ્રતિનિધિઓ
અને અધિકારીઓ નિષ્ફળ નિવડયા છે. કરોડો રૂપિયાના ખર્ચે પાણીના સંદર્ભમાં કામો થઈ રહ્યાં
છે. નવી મોટરો મંગાવાઇ રહી છે, પરંતુ વરસામેડીથી રામબાગ સુધી
અને વીડી નાગલપરથી આદિપુર સુધી તેમજ ગ્રામીણ વિસ્તારમાં અન્ય સ્ત્રોતથી પૂરતા પ્રમાણમાં
પાણી પહોંચતું ન હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. મેઘપર બોરીચીનાં શ્યામ નગરના લોકો
પણ લાંબા સમયથી પીવાનાં પાણીનો સામનો કરી રહ્યા છે. અહીં અગાઉ એક લાઈન નાખવામાં આવ્યા
બાદ સમસ્યા સર્જાઇ છે. પાણી
વિભાગના અધિકારીઓને મળીને લોકોએ રજૂઆત કરી છે સમસ્યા ક્યારેય ઉકેલાય છે તેના ઉપર સૌ
કોઈની મીટ મંડાઈ છે.