• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

કચ્છના પચ્છમે સૂરજ ઊગ્યો...વિકાસનો

જ્યાં સૂર્યાસ્તના અંતિમ કિરણો રેલાય છે એ ભારતના પશ્ચિમ છેવાડાના વિસ્તારમાં ક્ષિતિજ પર સર્વાંગી વિકાસની લાલીમા દેખાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કચ્છના કાંઠાળ ક્ષેત્રને નવી રેલવે લાઇનથી સાંકળી લેવાનો નિર્ણય લેવાતાં સીમાવર્તી વિસ્તારમાં આનંદ ફેલાયો છે. કેબિનેટની બેઠકમાં દેશની ચાર નવી રેલવે લાઇનને મંજૂરી અપાઇ એ પૈકી દેશલપર, હાજીપીર, લુણા, વાયોર અને લખપતને સાંકળતા પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂા. 2526 કરોડ ખર્ચ થશે. 145 કિલોમીટરની લંબાઇની નવી રેલવે લાઇનથી પશ્ચિમ કચ્છનું નસીબ પલટી જશે. ત્રણ વર્ષમાં સાકાર થનારા સૂર્યા પ્રોજેક્ટ સાથે કચ્છના 360 ડિગ્રી - સર્વાંગી વિકાસનું સપનું સાકાર થશે. અહીં એ નોંધનીય છે કે, કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકાર ગજબના તાલમેલ સાથે સક્રિય છે. કચ્છમાં બે વર્ષમાં  રેલવે લાઇનનાં કામોમાં  ગતિ આવી છે. અબડાસા (નલિયા) સુધી બ્રોડગેજ લાઇન પથરાઇ ગઇ છે. હવે રેલવે પાટાનો પથારો વાયોરથી નારાયણ સરોવર સુધી લંબાશે. ત્યાંથી નાની બન્નીના લુણા, હાજીપીર, દેશલપરને પણ આવરી લેવાશે. મોદી સરકારનો  આ નિર્ણય ગેમચેન્જર બનશે. કચ્છમાં ખનિજ આધારિત ઉદ્યોગો અને મીઠાના ઉદ્યોગને ભારે વેગ મળશે. 2001ના ધરતીકંપ પછી કચ્છનો ઔદ્યોગિક વિકાસ થયો તેનો ઘણોખરો લાભ પૂર્વ કચ્છ અને મુંદરાને મળ્યો છે. બબ્બે મહાબંદર તેનું મુખ્ય કારણ. પશ્ચિમ કચ્છ ખનિજસમૃદ્ધ છે, સાથે ઐતિહાસિક સ્થળો અને પૌરાણિક યાત્રાધામોને  લીધે પ્રવાસનનુંય આકર્ષણ બનવાની ક્ષમતા ધરાવે છે. અહીં ત્રણથી ચાર વિશાળ સિમેન્ટ પ્લાન્ટ સ્થાપિત થઇ રહ્યા છે. રેલવે માળખું વિસ્તરતાં આ ભારોભાર ક્ષમતા ઊગી નીકળશે એમ કહી શકાય. રણ પ્રવાસન અને ધોળાવીરાના ટૂરિઝમને પણ વેગ મળવાની સંભાવના જાગી છે. આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્ત્વ એ છે કે, તે કચ્છના રણને કનેક્ટિવિટી પ્રદાન કરશે. હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લો પણ રેલ નેટવર્ક હેઠળ આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવા રેલવે સ્ટેશન બનશે અને સરહદી કચ્છના પ્રવાસન સ્થળો રેલવે સાથે જોડાશે, તેના થકી અપાર ક્ષમતા ધરાવતા કચ્છના પ્રવાસનને વેગ મળશે. આ પ્રોજેક્ટ્સ પીએમ-ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પર આધારિત છે, જેમાં સંકલિત આયોજન અને હિસ્સેદારોના પરામર્શ દ્વારા મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ થકી ભારતીય રેલવેનાં  હાલનાં નેટવર્કમાં લગભગ 565 કિલોમીટરનો વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ રેલવે મારફત માલ પરિવહનમાં અગ્રેસર છે. હાલ પશ્ચિમ રેલવેના કુલ માલ પરિવહનમાં કચ્છ એરિયનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે, ત્યારે કચ્છના રણને રેલવે કનેક્ટિવિટી સાથે જોડવામાં આવ્યા બાદ કોલસો, સિમેન્ટ, ક્લિકર, ફ્લાયએશ, સ્ટીલ, કન્ટેનર, ખાતરો, કૃષિ ચીજવસ્તુઓ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ આવશ્યક માર્ગો છે અને માલ પરિવહનમાં કચ્છનું યોગદાન ઓર બમણું થશે.  અત્રે નોંધનીય છે કે, હાજીપીર, લખપત, કોટેશ્વર, ધોળાવીરા સહિતના વિસ્તારોને રેલવે સાથે જોડવા માટે લાંબા સમયથી સર્વે સહિતનાં કાર્યો આરંભાયાં હતાં.  તાજેતરમાં નલિયા રેલવે સુધી સંકળાઈ ગયું અને પ્રવાસી ટ્રેન દોડે તેવા દિવસો નજીક છે, ત્યારે હવે આ નવા પ્રકલ્પથી કચ્છના વિકાસ બૂલેટ ગતિએ આગળ વધશે તેમાં શંકાને સ્થાન નથી. જો જે આ  લાઇન ક્યાંથી ક્યાં સુધી નાખશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, પણ સંભવિત ઘડુલી સાંતલપુર સમાંતર લાઇન નખાય તેવો અંદાજ છે. 

Panchang

dd