ગાંધીધામ, તા. 27 : ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં
એમ્પાયર હોટલથી ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર જતા માર્ગનું અંતે નવીનીકરણ શરૂ કરવામાં
આવ્યું છે. ઘણા લાંબા સમયથી આ માર્ગની હાલત અત્યંત ખરાબ છે. મોટા-મોટા ખાડાઓ અને તેમાં
પાણી ભરાયેલું રહેતું હોવાથી આ માર્ગ ઉપરથી પસાર થવું મુશ્કેલ થઈ ગયું હતું અનેક વખત
વાહનો ફસાયા હતા. લોકોમાં વ્યાપક આક્રોશ હતો. વારંવારની રજૂઆતો પછી માર્ગનું કામ શરૂ
કરવામાં આવ્યું છે. તત્કાલીન સમયની નગરપાલિકાએ સાત કરોડના ખર્ચે લગભગ સાત માર્ગોનું
નવીનીકરણ કરવાનું આયોજન કર્યું હતું ને ટેન્ડર પ્રક્રિયા થઈ હતી, પરંતુ તેની ઉપર રાજનીતિ હાવી થઈ અને આખો મામલો
ફસાયો સમય વીતતો ગયો ત્યાર પછી મહાનગરપાલિકા બન્યા બાદ પણ લાંબા સમય સુધી મામલો ગૂંચવાતો
રહ્યો હતો, ત્યારબાદ ટેન્ડારિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી,
જેમાં મહેસાણાની એજન્સીને કામ આપવામાં આવ્યું હતું. કુલ નવ કરોડના કામો
હતા, તે પૈકીના જે સાત કરોડના રોડના કામ છે, તેમાં એમ્પાયર હોટલથી લઈને ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર સુધીના માર્ગનો સમાવેશ
થાય છે. માર્ગની ખસતા હાલત અને લોકોમાં ફેલાયેલા આક્રોશને ધ્યાને લઈને વહીવટી તંત્ર
સક્રિય થયું હતું. આ ઉપરાંત પૂર્વ પ્રમુખ તેજસ શેઠ, પૂર્વ ઉપપ્રમુખ
દિવ્યાબેન નાથાણી, પૂર્વ કારોબારી ચેરમેન એ.કે. સિંહ,
ભરતભાઈ મીરાણી, નીતાબેન દક્ષિણી, સહિતનાઓએ ધારાસભ્ય માલતીબેન તેમજ ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને
નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજને રૂબરૂ મળીને આ રોડ બાબતે રજૂઆત કરી હતી. લોકોએ
પણ અનેક વખત રજૂઆત કરી હતી. કોંગ્રેસે પણ અધિકારીઓને મળીને આ બાબતે રજૂઆત કરી હતી.
મહાનગરપાલિકા પણ એજન્સીને વર્કઓર્ડર આપ્યા પછી આ માર્ગનું નવીનીકરણ કરવાની દિશામાં
આગળ વધી હતી, તેવામાં ચોમાસું બેસી ગયું અને વરસાદ આવી જતાં કામ
શરૂ કરાયું નહીં અને માર્ગોના ખાડાઓ લોકો માટે મુસીબત બની ગયા હતા. અહીંથી પસાર થવું
લોકો માટે મુશ્કેલ બની ગયું હતું. તંત્રે લોકોની પીડાને ધ્યાને લઈને અંતે આ માર્ગનું
કામ શરૂ કરાવ્યું છે ને આગામી સમયમાં એક સારો માર્ગ મળે તેવી આશા લોકોને જાગી છે.