• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

અશ્વિને આઇપીએલને અલવિદા કર્યું

નવી દિલ્હી, તા.27 : અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આજે આઇપીએલમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર આઇપીએલ નિવૃત્તિની જાહેરાત કરતા અશ્વિને લખ્યું છે કે તે હવે વિશ્વભરમાં અન્ય લીગમાં રમવાની સંભાવનાઓની તલાશ કરશે. આઇપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા પાંચમા બોલર તરીકે અશ્વિને આઇપીએલમાંથી વિદાય લીધી છે. તેના નામે આઇપીએલમાં 221 મેચમાં કુલ 187 વિકેટ રહી છે. આ દરમિયાન તેની રન પ્રતિઓવર 7.2 રહી છે. આઇપીએલમાં તેના નામે 833 રન છે. તેનો શ્રેષ્ઠ દેખાવ 34 રનમાં 4 વિકેટ છે.  આઇપીએલમાં અશ્વિનની પહેલી ટીમ સીએસકે હતી અને આખરી ટીમ પણ તે જ રહી છે. આ દરમિયાન તે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટસ, કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. અશ્વિને એકસ પર લખ્યું હતું કે આઇપીએલ ક્રિકેટર તરીકે આજથી મારો સમય સમાપ્ત થયો છે. આ તકે અશ્વિને તમામ સાથી ખેલાડીઓ અને ફ્રેંચાઈઝીઓનો આભાર વ્યકત કર્યો હતો. તેણે 2009માં સીએસકે તરફથી રમી આઇપીએલ પદાર્પણ કર્યું હતું. અશ્વિને સીએસક ટીમનો હિસ્સો રહેતા 2010 અને 2011માં આઇપીએલ ખિતાબ જીત્યા હતા. પાછલી સીઝનમાં  તેની ઘર વાપસી થઇ હતી. મેગા ઓકશનમાં સીએસકે ટીમે અશ્વિન પર 9.7પ કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. 202પ સીઝનમાં તેણે 9 મેચ રમ્યા હતા અને 9.12 પ્રતિ ઓવર ખર્ચ કર્યો હતો. એવું પહેલીવાર થયું હતું કે અશ્વિને કોઇ સીઝનમાં 8.49 સરેરાશથી વધુ રન આપ્યા હોય. આવતા મહિને 39 વર્ષનો થનારા આર. અશ્વિને આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યો છે. 

Panchang

dd