• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

ધોળાવીરા-કાંઠાળ કચ્છ સુધી રેલવે દોડશે

નવી દિલ્હી, તા. 27 : ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક ધરોહર હડપ્પા સ્થળ ધોળાવીરા, પૌરાણિક મહત્ત્વ ધરાવતા નારાયણ સરોવર અને લખપતનો બહોળા પ્રમાણમાં વિકાસ થાય તેવા ઘટનાક્રમમાં ધોળાવીરા, દેશલપર, હાજીપીર, લુણા, વાયોર અને લખપતને જોડતી 145 કિલોમીટરની નવી રેલ લાઈનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી. રેલવે જોડાણ, માલવાહક અવરજવર અને પ્રાદેશિક વિકાસને વેગ આપવાના હેતુથી લગભગ રૂા. 12,328 કરોડના ચાર મુખ્ય રેલવે પ્રોજેક્ટ્સને કેબિનેટે મંજૂરી આપી હતી, જેમાં કચ્છ ક્ષેત્રમાં રૂા. 2526 કરોડના ખર્ચે નવી રેલલાઇન ઉપરાંત કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામમાં મલ્ટી-ટ્રાકિંગ કામોનો સમાવેશ થાય છે. નવી રેલ લાઇન કચ્છ જિલ્લાના દૂરના વિસ્તારોને રેલ જોડાણ પ્રદાન કરશે. રૂા. 2,526 કરોડનો અંદાજિત આ પ્રોજેક્ટ ગુજરાતમાં રેલ નેટવર્કમાં 145 રૂટ કિમી અને 164 ટ્રેક કિમી ઉમેરશે અને ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે. તે મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિકર અને બેન્ટોનાઇટના પરિવહનને સરળ બનાવવા સાથે કચ્છના રણ, ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લાને જોડીને પ્રવાસનને પણ મોટો વેગ આપશે. કુલ 13 નવા સ્ટેશન બનાવવામાં આવશે, જેનાથી 866 ગામડા અને લગભગ 16 લાખ લોકોને ફાયદો થશે. મંત્રીમંડળે રૂા. 5,012 કરોડના ખર્ચે કર્ણાટક અને તેલંગાણાને આવરી લેતા પ્રોજેક્ટને મંજૂરી આપી. 173 કિલોમીટરનો આ પટ્ટો પાંચ વર્ષમાં પૂર્ણ થશે અને તેનાથી એક મહત્ત્વાકાંક્ષી જિલ્લા-કાલાબુર્ગીને ફાયદો થશે. બિહારમાં, ભાગલપુર-જમાલપુર ત્રીજી લાઇન પ્રોજેક્ટ છે, જે 53 કિલોમીટરનો અને રૂા. 1,156 કરોડનો ખર્ચે છે, તે ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. આસામમાં, ફુરકાટિંગ-ન્યૂ તિનસુકિયા ડબાલિંગ પ્રોજેક્ટ, જે રૂા. 3,634 કરોડના ખર્ચે 194 કિલોમીટરને આવરી લે છે, તે ચાર વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ્સ મળીને ભારતીય રેલવે નેટવર્કમાં 565 રૂટ કિમી ઉમેરશે, જેનાથી લગભગ 3,108 ગામડા અને 47 લાખથી વધુ લોકોને ફાયદો થશે. તે ઉપરાંત ક્ષમતા વિસ્તરણથી ભીડ ઓછી થશે, કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો થશે અને મુસાફરો અને માલવાહક સેવાઓમાં વધારો થશે. તે કોલસો, સિમેન્ટ, સ્ટીલ, કન્ટેનર, ખાતરો, પેટ્રોલિયમ ઉત્પાદનો, કૃષિ ચીજવસ્તુઓ અને ઓટોમોબાઈલની અવરજવરને પણ ટેકો આપશે. આ પ્રોજેક્ટ્સ વાર્ષિક 68 મિલિયન ટન વધારાના માલવાહક માલનું સંચાલન કરશે તેવો અંદાજ વ્યક્ત કરાયો છે. મંત્રીમંડળે નોંધ્યું હતું કે, આ પ્રોજેક્ટ્સનું આયોજન પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ કરવામાં આવ્યું છે, જેમાં સંકલિત મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને આર્થિક વિકાસ પર ભાર મૂકવામાં આવશે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, નવી માળખાગત સુવિધા વડાપ્રધાનના `આત્મનિર્ભર ભારત'ના દૃષ્ટિકોણ સાથે સુસંગત રહેશે, જે વ્યાપક વિકાસને ટેકો આપશે અને પ્રદેશમાં રોજગાર અને સ્વરોજગારીની તકો ઊભી કરશે.  તો બીજી બાજુ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યો લોજીસ્ટિક્સ ખર્ચ, તેલ આયાત અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે, જે ભારતના આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવામાં ફાળો આપશે. 

Panchang

dd