• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

14 વર્ષ પૂર્વેના હથિયારધારાના ગુનાના આરોપીઓ નિર્દોષ

ભુજ, તા. 27 : 14 વર્ષ પૂર્વે જીવતા કારતૂસ સાથે ભુજમાં શખ્સ ઝડપાયો હતો. બિહારના શખ્સે આ કારતૂસ આપ્યાનું કહેતાં બંને વિરુદ્ધ હથિયારધારા સંબંધે નોંધાયેલા ગુનામાં કોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસની ટૂંક વિગતો મુજબ તા. 6/4/2011ના ભુજમાં રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલા સર્કલથી આઇયાનગર જતા રસ્તા પરથી આરોપી મહંમદ ઇસ્માઇલ રાયમા (રહે. ભારાપર, તા. ભુજ) પાસેથી ગેરકાયદેસર પરવાના વિનાના તેના કબજામાંથી પિસ્તોલના બે મેગેજિન તથા 10 નંગ જીવતા કારતૂસ સાથે પોલીસે ઝડપી લીધો હતો. આ મેગેજિન તથા કારતતૂસ આરોપી મુક્તિજી યજ્ઞાનંદ રામપ્રવેશસિંગ શર્મા (રહે. પટના, બિહારવાળો) આપી ગયાનો જણાવતાં બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ તળે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસ ભુજના સાતમા અધિક સેશન્સ જજ એન. પી. રાડિયાની કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષની દલીલોના અંતે ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં બંને આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. આરોપી તરીકે ભુજના લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ ન્યાયરક્ષક તરીકે ચંદ્રકાંત સી. ગુજરાતી, સુમિત આર. સિંગ, કુલદીપ ડી. ગરવા, કિરણ એમ. ચારણિયા, વિષ્ણુ એમ. ચારણિયા, રમીઝ કે. સમેજા, દિપાલી પી. જોશી, નિરજા એમ. રાઠોડ, સાયમા એ. લુહાર હાજર રહ્યા હતા. - દુષ્કર્મના કેસમાં આરોપી નિર્દોષ : એકાદ વર્ષ પૂર્વે મુંદરા મરિન પોલીસ મથકે ફરિયાદી બહેને આરોપી કાદરશા મામદશા સૈયદ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.  આરોપીએ ફરિયાદી બહેનને લગ્નની લાલચ આપી એક વર્ષ દરમ્યાન અલગ-અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યાની વિવિધ વિગતો સાથે ફરિયાદ નોંધાયા બાદ આરોપીની અટક કરવામાં આવી હતી અને ચાર્જશીટ બાદ આરોપીને જામીન મળ્યા હતા. આ કેસમાં સેશન્સ અદાલતે જરૂરી સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ચકાસી આરોપીને નિર્દોષ છોડવા હુકમ કર્યો છે. આરોપી તરીકે એડવોકેટ આર. એસ. ગઢવી, વી. જી. ચૌધરી, વિશ્વા એન. પરમાર, શિવમ બી. સોલંકી હાજર રહ્યા હતા. - માંડવીમાં ચાર વર્ષ પૂર્વેના જીવલેણ હુમલા પ્રકરણમાં આરોપી નિર્દોષ : ગત તા. 5/7/21ના માંડવી પોલીસ મથકે ફરિયાદી નૂરમામદ ઓસમાણ સુમરા ઉપર આરોપી મામદ ભચુ સુમરાએ ધારિયાથી ગરદન પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ભુજની સેશન્સ અદાલતે આરોપી સામેનો કેસ પૂરવાર ન થઇ શકતાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપીના વકીલ તરીકે એમ. એચ. રાઠોડ, હાસમશા શેખ, એફ. એમ. સિંધી, હનીફભાઇ જત, ધીરજભાઇ જાટિયા, ઉમર સમા, શેરબાનુ રાઠોડ, અમતુલાબેન એફ. કુરેશી, આસિફ કુંભાર હાજર રહ્યા હતા. 

Panchang

dd