• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

હવે નિરોણા નદીપટમાં 38 લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બને છે !

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 27 : પાવરપટ્ટીના મુખ્યમથક સમું આ ગામ કલાની પંચતીર્થી તરીકે વિશ્વભરમાં જાણીતું છે. દુનિયાભરમાંથી આવતા હજારો કલાપારખુઓને એક જ સ્થળે ગામની પાંચેય કલાનું નિદર્શન, કારીગરોની જીવનશૈલી તેમજ ખરીદીની વ્યવસ્થા થઇ શકે તે માટે દાયકાઓ સુધીના અથાગ પ્રયત્નો બાદ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂપિયા સવા પાંચ કરોડનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અસલ સલામત જગ્યા પર દબાણ થઇ ગયા પછી ગામલોકો અને કારીગરોના ભારે વિરોધ વચ્ચે ગામના નદીપટ્ટમાં તેનું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન થાય તે પૂર્વે જ વર્ષ 2022માં નદીમાં આવેલ પૂરનાં પાણી કલા પ્રોજેક્ટને ઘેરી લેતાં મોટી નુકસાનીથી સહેજે બચ્યું હતું. સાથે ભવિષ્યમાં પણ આ પ્રોજેક્ટ માટે આ પૂરે ખતરાના સંકેત આપ્યા પછી આજ સુધી તેના પરથી જોખમ ટળ્યું નથી, ત્યાં જ એ જ નદીપટ્ટમાં કલા પ્રોજેક્ટને અડી રૂા. 38 લાખના ખર્ચે આરોગ્ય વિભાગના પેટા કેન્દ્ર નિર્માણ કરવાની કામગીરી શરૂ કરી દેવાતાં તેની સામે અનેક સવાલો ઊભા થયા છે. નદીપટ્ટમાં નિર્માણ થયેલા કરોડોના કલા પ્રોજેક્ટ પર ત્રણેક વર્ષ અગાઉ ભારે વરસાદ બાદ ભુરૂડ નદીમાં આવેલાં પૂરે કલા પ્રોજેક્ટને ઘેરી  વળતાં થોડું નુકસાન થયું હતું. જો કે, નદીના પૂર લાંબા સમય સુધી ચાલુ ન રહેતાં મોટી નુકસાનીથી સહેજે બચ્યું હતું. પાછળથી વિસ્તારના અગ્રણી અને તત્કાલીન કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ, કલેક્ટર પ્રવીણા ડી.કે. સહિત જિલ્લા વહીવટી વિભાગના અધિકારીઓનો મોટો કાફલો દોડી આવી પ્રોજેક્ટને થયેલી હાનિનું અવલોકન કર્યું હતું. નુકસાનીના સર્વે બાદ ગામની પંચાયતમાં જ કલેક્ટરના અધ્યક્ષસ્થાને ગામલોકો અને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી ભવિષ્યમાં કલા પ્રોજેક્ટ પરથી પૂરના જોખમ દૂર કરવાના ઉપાયો પણ સૂચવાયા હતા, જેમાં મુખ્યત્વે નદીના મુખ્ય વહેણમાંથી અન્ય ફાંટો ફૂટે છે તેને અટકાવવા નદીપટ્ટમાંથી ગાંડા બાવળની ગીચ ઝાડીનો નિકાલ કરવો, નદીપટ્ટમાં રેતીના ખડકાયેલા ગંજને દૂર કરવા તેમ કલા પ્રોજેક્ટ તરફ નીકળતાં અન્ય વહેણને રોકવા લાંબી પૂર સંરક્ષણ દીવાલની આડશ ઊભી કરવા જે-તે સંબંધિત વિભાગના અધિકારીઓને રૂબરૂમાં જાણ કરી વહેલી તકે તેની અમલવારી કરવા તાકીદ પણ કરવામાં આવી હતી, પરંતુ વર્ષો પછી પણ આ હુકમો પૈકી એક પણનો અમલ ન થતાં આજે પણ કરોડોના કલા પ્રોજેક્ટ ઉપરથી જોખમ ટળી શક્યું નથી. દરમ્યાન જિલ્લાના આરોગ્ય વિભાગ હસ્તક લોકોની આરોગ્ય સુખાકારી માટે વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ મોટા નિરોણા ગામે એક વધુ પેટા આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે રૂા. 38 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રની ફાળવણી બાદ તેના બાંધકામ માટે જરૂરી જમીન અંગે ગૂંચવણ ઊભી થતાં હાલ આ આરોગ્ય પેટા કેન્દ્ર નિરોણાની ભુરૂડ નદીપટ્ટમાં કલા પ્રોજેક્ટને અડીને તેનું બાંધકામ શરૂ કરી દેવાયું છે. જાણવા મળેલી માહિતી મુજબ સ્થાનિક ગ્રામ પંચાયત પણ આ જોખમી જગ્યાએ બાંધકામ કરવા અંગે ઠરાવ કરી મંજૂરી પણ આપી દીધી છે. કરોડોના કલા પ્રોજેક્ટ પરથી નદી પૂરનું જોખમ ટળ્યું નથી, ત્યાં લાખોના ખર્ચે નદીપટ્ટમાં નિર્માણ થતાં આરોગ્ય કેન્દ્રના બાંધકામને લઇ અનેક સવાલો ઊભા થયા છે. ગામલોકોના જણાવ્યા મુજબ ચાલુ ચોમાસા દરમ્યાન નિરોણા ડેમ છલોછલ ભરાયેલ છે. ભારે વરસાદની આગાહીઓ પણ થઇ રહી છે. આગાહી જો સાચી પુરવાર થાય અને વધુ વરસાદ બાદ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો ડેમના 900 ફૂટ લાંબા ઓગન વાટે વિપુલ જથ્થામાં પાણી નીકળી નદીવાટે વહી શકે છે. ગામ નજીક નદીપટ્ટમાં પૂર  નિયંત્રણ માટે સૂચવાયેલા ઉપાયોનો આજ સુધી ઉકેલ થયો નથી. જેને લઇ નદી રૌદ્ર રૂપ ધારણ કરી પોતાના અસલી રૂપમાં કલા પ્રોજેક્ટની અગાઉની જેમ ચારેબાજુથી નીકળી મોટી હાનિ કરી શકે છે, જેમાં નિર્માણ પામતા  આરોગ્ય પેટા કેન્દ્ર પણ ઝપટમાં આવી લાખોના ખર્ચે પાલર પાણી સાથે વહી શકે છે. - ભુરૂડ નદીનાં રૌદ્ર રૂપ નિહાળી ગામનું  પોલીસ સ્ટેશન પણ હટી ચૂક્યું છે : નિરોણા, તા. 27 : સરહદને  અડોઅડ આ વિસ્તારની સુરક્ષા અને સલામતીને ધ્યાને અહીં માર્ચ-2018થી પોલીસ થાણાની જગ્યાએ પોલીસ સ્ટેશનની મંજૂરી મળી છે. નવા મંજૂર થયેલાં પોલીસ સ્ટેશનની ભૌતિક સુવિધા માટે પોલીસ વિભાગે સ્થાનિકની ગ્રા.પં. પાસે જમીન સંપાદનની માગણી મૂકતાં પંચાયતે કલા પ્રોજેક્ટની પશ્ચિમે એ જ નદીપટ્ટમાં જરૂરી જમીનની ફાળવણી કરી આપી હતી. પાછળથી બે-ત્રણ વખત નદીના ભારે પૂર જે જમીનની ફાળવણી કરાઇ હતી તે જમીન પરથી ફરી વળ્યા પછી પોલીસ તંત્ર પણ નદીપટ્ટની જોખમી જગ્યા પર પોલીસ સ્ટેશન ઊભું કરવાનું આયોજન રદ કરી અન્યત્રે જમીનની પસંદગી કરી છે. આમ નદીપટ્ટમાં નદીના રૌદ્ર રૂપથી પોલીસ તંત્ર ચેતી સુરક્ષિત બની ચૂક્યું છે. પણ પ્રવાસન નિગમના કરોડોના કલા પ્રોજેક્ટ પરથી આ જોખમ ટળ્યું નથી, ત્યાં હવે આરોગ્ય વિભાગનું પેટા કેન્દ્ર પણ જોખમની જાળીમાં ફસાઇ શકે છે. 

Panchang

dd