કોડાય (તા. માંડવી) / ભુજ,
તા. 27 : માંડવીના
બિદડા અને ખાખર રોડ પર ફરાદી ત્રણ રસ્તાના વળાંક પાસે આજે બપોરે ટ્રક સાથે બાઇક અથડાતાં
બાઇક પર સવાર 17 વર્ષના બે કિશોર વયના કાકાઇ
ભાઇ એવા આર્યન ભરતભાઇ ડોરૂ અને નૈતિક કિશોરભાઇ ડોરૂ (મૂળ રામાણિયા હાલે મુંદરા)નું
ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ કરુણ બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઇ
હતી. દરમ્યાન હતભાગીઓ સાથે અકસ્માત થતાં તેમનાં બાઇક પાછળ આવતું અન્ય એક બાઇક અથડાતાં
બે અજાણ્યા યુવાનને ઇજા પહોંચી હતી. આ કરુણ અકસ્માતની જાણ થતાં જ મૃતકના કૌટુંબિક ભાઇ
અશ્વિનભાઇ મહેશ્વરી (રહે. મુંદરા) માંડવીની સરકારી હોસ્પિટલ ધસી ગયા હતા. અશ્વિનભાઇએ
`કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે, આર્યન
અને નૈતિક બંને કાકાઇ ભાઇ છે. આજે તેઓ બંને પોતાનાં બાઇક નં. જીજે-12-એચએફ-8933વાળું લઇને મુંદરાથી માંડવી
જઇ રહ્યા હતા, ત્યારે બપોરે 3.30 વાગ્યાના અરસામાં ફરાદી ત્રણ
રસ્તાની આગળ વળાંક પાસે ટ્રક સાથે ભટકાતાં ગંભીર ઇજાના પગલે બંને ગંભીર રીતે ઘવાતાં
ત્યાં જ મૃત્યુ પામ્યા હતા અને 108 મારફત માંડવીની
સરકારી હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની પ્રાથમિક વિગતો કોડાય પોલીસમાં
જાહેર કરી છે. બીજી તરફ આ અકસ્માત થતાં જ હતભાગી આર્યન અને નૈતિકનાં બાઇકની પાછળ જ
આવતું અન્ય એક બાઇક અથડાતાં તેનું ટાયર ફાટી ગયું હતું અને આ બાઇક ઉપર સવાર બે યુવાન
સિંધુકુમાર અજયસિંઘ અને તુષારકુમાર સંજય પાસવાન (રહે. બંને બારોઇ)ને સામાન્ય ઇજા પહોંચી
હોવાનું કોડાય પોલીસે જણાવી ઉમેર્યું હતું કે, આ અકસ્માત કઇ રીતે થયો તેની છાનબીન ચાલી રહી છે. આ કરુણ દુર્ઘટના બાદ માર્ગ
પરથી પસાર થતા રાહદારીઓએ પાડેલા ફોટા અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં બંને યુવાન માર્ગ પર લોહી નિંગળતી હાલતમાં પડયા હતા અને બાઇક સાઇડ ફંગોળાયેલું
પડયું હતું. કોડાય પોલીસ સમક્ષ દુર્ઘટનાના સમાચાર પહોંચતાં પોલીસે પણ હોસ્પિટલ અને
ઘટનાસ્થળે ધસી જઇ કાર્યવાહી આદરી હતી.