ગાંધીધામ, તા. 27 : આદિપુરની કોલેજમાં પ્રિન્સિપાલ
ઉપર હુમલાના બનાવ અંગે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠને પોલીસવડાને આવેદનપત્ર પાઠવી
આવા તત્ત્વોના સરઘસ કાઢવાની માંગ કરી હતી. બીજી બાજુ જિલ્લા કોંગ્રેસના વિચાર વિભાગે
બનાવ સભ્ય સમાજ માટે નિંદનીય અને તેને રોકવા એન્ટિ રોમિયો સ્ક્વોડ સમિતિની રચના કરવા
માંગ કરી હતી. આદિપુર તોલાણી કોલેજના પ્રિન્સિપાલ ઉપર હિચકારા હુમલા, ચક્કાજામ, ફરિયાદ બાદ
પોલીસે છ કલાકમાં આરોપીઓને ઝડપી પાડતાં તેમની કામગીરીને બિરદાવાઇ હતી. બાદમાં પોલીસે
આરોપીઓને બનાવ સ્થળે લઇ આવી હતી, ત્યારે આરોપીએ પ્રિન્સિપાલને
ક્ષમાયાચના માગી હતી નામ પૂરતી કાર્યવાહી કરાતાં લોકોમાં અસંતોષની લાગણી પ્રસરી હતી.
શિક્ષણ અને સભ્ય સમાજ માટે શરમજનક આ પ્રકરણમાં આરોપીઓ 23 કલાકમાં છૂટી જાય તે યોગ્ય
ન કહેવાય. આવા બનાવથી વિદ્યાર્થીઓ, પ્રોફેસરોમાં ભયનો માહોલ છે. કાયદાની ધાક ન હોય તેમ આવા તત્ત્વો બેફામ થયા
છે. હિચકારો હુમલો કરનાર શખ્સ અગાઉ પણ કોલેજમાં ધારદાર હથિયાર લઇને આવ્યો હતો તથા હિટ
એન્ડ રનના કેસમાં પણ આરોપી હોવાનું પોલીસવડાને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું.
આવા હુમલાખોર વિદ્યાર્થીઓના કોલેજમાં સરઘસ કાઢવામાં આવે, તો અન્ય
આવા વિદ્યાર્થીઓ પણ બોધપાઠ લેશે તેવી માંગ કરાઇ હતી. આ વેળાએ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના
હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કચ્છ જિલ્લાના કોંગ્રેસ સમિતિના વિચાર વિભાગે પણ
પોલીસવડાને લેખિત રજૂઆત કરી હતી, જેમાં આ બનાવ સભ્ય સમાજ માટે
નિંદનીય હોવાનું જણાવી સમાજમાં ગુરુનું સન્માન ન જળવાય તો સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન છે. આવા આરોપીઓ પર અંકુશ લાવવો જરૂરી
છે અન્યથા આવી પેઢી ખોટા માર્ગે જઇને વિનાશ નોતરશે. આ સંકુલમાં એન્ટિ રોમિયો સ્ક્વોડની
રચના કરી અભ્યાસ સંકુલોની આસપાસ સઘન ચેકિંગ કરવાની માંગ રાજુભાઇ શર્માએ કરી હતી.