ગાંધીધામ, તા. 27 : ભચાઉના લાકડિયામાં આવેલી જમીન
અંગે ખોટા સોગંદનામા, દસ્તાવેજ બનાવી
બારોબાર જમીન વેચી દેવાતાં છ શખ્સ સામે લેન્ડગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધાયો હતો.
મોરબીમાં રહેનાર અને નિવૃત્ત જીવન ગુજારનારા પ્રાણજીવન સવજી પટેલ (કાંજિયા)એ બનાવ અંગે
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, તેમણે ગેઝેટ મુજબ પોતાનું નામ
પરેશ સવજી પટેલ (કાંજિયા) કરાવ્યું છે. તેમનો દીકરો મોહિત અને દીકરી કિંજલ પોતાના પરિવાર
સાથે ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે. આ ફરિયાદીએ લાકડિયાની સીમમાં આવેલી જમીન ભચુ સુરા છેડા
પાસેથી 1998માં ખરીદી તેના દસ્તાવેજ કરાવ્યા
હતા. ફરિયાદીએ ગત 2024માં ઓનલાઈન
તપાસ કરતાં પોતાની આ જમીન બારોબાર વેચાઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીએ આ જમીનના
અસલ દસ્તાવેજ ગુમ થયા અંગે વકીલ પાસે સોગંદનામું કરાવી તેમાં ફરિયાદીની ખોટી સહી કરી, ખોટા ફોટા ચોંટાડી તેના આધારે રાજકોટના અખબારમાં
જાહેરાત આપી હતી. ખરેખર જમીનના દસ્તાવેજ ક્યાંય ગુમ થયા નથી. બાદમાં આરોપીઓએ મુંબઈના
વકીલ પાસે ખોટું સોગંદનામું કરી તેમાં ફરિયાદીના પુત્રનું નામ પરેશ પ્રાણજીવન પટેલ
દર્શાવી ભાગીદારીમાં ખાતેદાર તરીકે આ પરેશ નામ ધારણ કરનારા શખ્સે પોતાનો હક્ક દાખલ
કર્યો હતો. આ સોગંદનામાના આધારે આરોપીઓ દ્વારા સહભાગીદાર તરીકે નોંધ પડાવવા મામલતદાર
ભચાઉમાં અરજી કરી હતી. બાદમાં પરેશ પટેલ નામ ધારણ કરનારા શખ્સે સ્વૈચ્છિક હક્ક જતો
કરવા અંગે નોટરી વકીલ સમક્ષ નોટરાઈઝ્ડ સોગંદનામું તૈયાર કરી તેમાં ખોટી સહીઓ કરી પરેશ
પટેલ તરફેણમાં હક્ક જતો કરી ફરિયાદીનું નામ કમી કરવા અંગે નોંધ પડાવી હતી. બાદમાં પરેશ
પટેલ નામ ધારણ કરનારા શખ્સે આ જમીન બારોબાર વલીમામદ અબ્દુલ રાઉમાને દસ્તાવેજ વેચાણ
કરી આપી હતી, જેમાં સાક્ષી તરીકે કિશન ઈન્દ્રકુમાર ભાર્ગવ,
નેકમામદ હાજી ત્રાયાએ ખોટી સહીઓ કરી હતી. ફરિયાદીનું ખોટું નામ ધારણ
કરનાર, ગુમ થયા અંગે ખોટું સોગંદનામું કરનાર, ભાગીદારી તરીકે ખોટું નામ ધારણ કરનાર તથા વલીમામદ રાઉમા, કિશન ભાર્ગવ અને નેકમામદ ત્રાયા સામે પોલીસે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી
હાથ ધરી છે.