ભુજ, તા. 27 : માંડવીની મોટા સલાયાના પ્રોવિઝન
સ્ટોરમાંથી રાત વચ્ચે રોકડા રૂા. 80 હજારની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે મુંદરા મરીન પોલીસ
મથકે મોટા સલાયામાં બિલાલ મસ્જિદ સામે રહેતા રમજાનભાઇ આદમભાઇ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ
મુજબ તેમનાં ઘરના આગળના ભાગે તેમની કરિયાણાની ફિરદોસ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન છે.
ગઇકાલે રાતે દુકાન બંધ કર્યા બાદ આજે સવારે દુકાનનો દરવાજો ખુલ્લી હાલતમાં હતો. રાત
દરમ્યાન દુકાનના પાછળના ભાગેથી દીવાલનો ભાગ તોડી દુકાનના દરવાજાની લાગેલી કડી ખોલી
કોઇ અજાણ્યો ચોર ઇસમ ઘૂસી દુકાનના લાકડાના બે ખાના કોઇ સાધન વડે તોડી તેમાંથી ભત્રીજાના
વીસીના રૂા. 55000 તથા તેના ધંધાના રૂા. 25000 એમ કુલ રૂા. 80 હજારની ચોરી કરી લઇ ગયો હતો.
પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.