રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ
બોમ્બ ફોડયા પછી પણ ભારત પ્રત્યેનું વલણ સખત બનાવ્યું છે, ત્યારે નવી દિલ્હીએ ખુમારીપૂર્વક અમેરિકાને અરીસો દેખાડી દીધો
છે. વિદેશમંત્રી એસ. જયશંકરે ચીન પછી રશિયા સાથે સંવાદ રચ્યો. દોસ્તીની વાતો થઇ,
અમેરિકાને સ્પષ્ટ સંદશો આપ્યો, એ સાથે વોશિંગ્ટન
સાથે વાત સાવ બગડી જાય નહીં એ બાબતનો ખ્યાલ રાખતાં વિદેશમંત્રીએ કહ્યું છે કે ટ્રમ્પ
જુદા પ્રકારના પ્રેસિડેન્ટ છે. તેઓ પરંપરાગત શૈલીને બદલે પોતાના વિચારો મુજબ આગળ વધે
છે. ભારતે અમેરિકા સાથે વાતચીત જારી રાખવાનોય સંકેત આપ્યો છે. વ્યૂહાત્મક રીતે ભારત
તેના જૂના મિત્ર રશિયા સાથેનો સહયોગ મજબૂત બનાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની
ભારતયાત્રાની તૈયારી શરૂ થઇ છે. જયશંકરે તાજેતરની રૂસયાત્રા દરમ્યાન મોસ્કો ખાતે આયોજિત
ભારત - રૂસ બિઝનેસ ફોરમમાં રૂસી કંપનીઓને ભારતીય કંપનીઓને સાથે હાથ મિલાવીને કામ કરવાનું
કહ્યું. તેમનું એ કહેવું યોગ્ય છે કે ભારત એક વિશાળ બજાર છે. રૂસી કંપનીઓ માટે અહીં
અનેક તક છે. ભારતનું ઝડપથી વિકસતું અર્થતંત્ર રૂસી કંપનીઓ માટે સુવર્ણ અવસર બની શકશે.
યુક્રેન પર હુમલા પછી રશિયા પશ્ચિમી દેશોના પ્રતિબંધનો સામનો કરી રહ્યું છે. ભારતે
પોતાની અલાયદી વિદેશનીતિને અનુસરતાં રશિયા પાસેથી
ક્રૂડની ખરીદી ચાલુ રાખી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાયડનના કાર્યકાળમાં કંઇ વાંધો ન આવ્યો, પણ ડોનાલ્ડ
ટ્રમ્પ સત્તામાં આવતાં તેમણે અમેરિકા કેન્દ્રિત પગલાંઓ લેવાનું શરૂ કર્યું છે અને ભારત
પર રૂસી પાસેથી ખનિજતેલ ખરીદવાના મુદ્દે આકરા કર લગાડી દીધા છે. જોવાનું એ છે કે રૂસ
પાસેથી છાને ખૂણે અમેરિકાનો વેપાર ચાલુ છે. કેટલાક યુરોપીય દેશોનો પણ... ચીન તો ભારત
કરતાંય વધુ ક્રૂડ રૂસ પાસેથી ખરીદે છે. વાંકદેખા ટ્રમ્પને આ કંઇ દેખાતું નથી,
પણ ભારતને ઉપરાઉપરી નિશાન બનાવી
રહ્યા છે... મોસ્કોમાં જયશંકરે ચોખ્ખું કહ્યું કે
ટ્રમ્પ ચીન ઉપર ટેરિફ શા માટે નથી લાદતા ? ભારતે અમેરિકાના
વિકલ્પે બીજા દરવાજા ખોલવાના પ્રયત્ન આદર્યા છે. રશિયા સાથે દ્વિપક્ષીય વેપાર વધી રહ્યો
છે. જયશંકરે ભારતે રૂસ સાથેનો વેપાર વૈવિધ્યપૂર્ણ અને સંતુલિત બનાવવા પર ભાર મૂક્યો
છે. જૂના મિત્ર રશિયાએ પણ પરિસ્થિતિ પારખીને ભારતની પડખે રહેવાની તત્પરતા દર્શાવી છે.
રૂસી ઉપરાજદૂતે મહત્ત્વપૂર્ણ ટિપ્પણીમાં કહ્યું કે ભારતને અમેરિકી બજારમાં માલ - સામાન
વેચવામાં મુશ્કેલી થઇ રહી છે, તો રશિયાના દરવાજા ખુલ્લા છે. અમે
ભારતીય નિકાસનાં સ્વાગત માટે તૈયાર છીએ. વોશિંગ્ટનને મોસ્કોનો આ સંદેશ છે. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પના ધમપછાડા અને ધાકધમકી છતાં રૂસ
પાસેથી ભારતની તેલની ખરીદીમાં કોઇ ફરક નથી પડયો. રશિયા ભારતને પાંચ ટકા ઓછા ભાવે તેલની
નિકાસ કરે છે. જયશંકરે રશિયાના વિદ્વાનો અને નીતિ ઘડવૈયાઓ સાથે ભારત - રૂસ સંબંધો તથા
બદલાતાં ભૂ - રાજનૈતિક પરિદૃશ્ય અને ભારતના દૃષ્ટિકોણ અંગે વિસ્તૃત ચર્ચા કરી. બંને
વિદેશમંત્રીએ સંયુક્ત પત્રકાર પરિષદે સંબોધી. ટૂંકમાં, વૈશ્વિક
ઊથલપાથલ વચ્ચે એસ. જયશંકરની રશિયાયાત્રા દુનિયાને બંને દેશની ગાઢ મૈત્રીનો સ્પષ્ટ સંદેશ
છે.