નવી દિલ્હી, તા. 27 : તમામ ખાદ્યચીજો અને કપડાના સામાનને પ ટકા
જીએસટી હેઠળ લાવવામાં આવી શકે છે. આ અંગે આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના
છે. અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર ખાણી પીણીનો સામાન,
ટેકસટાઈલ ઉત્પાદનો પર જીએસટીને પ ટકાના સ્લેબમાં લાવવા ઈચ્છુક છે. ભારત
સરકાર જીએસટીમાં સુધારા કરવા જઈ રહી છે અને તેમાં જે પ્રસ્તાવ છે તે સામાન્ય લોકોને
રાહત આપી શકે છે. હાલ કમરતોડ કરવેરાના બોજાથી પિસાઈ રહેલી જનતાને જીએસટી માળખામાં સુધાર
દ્વારા સરકાર રાહત આપવા જઈ રહી છે. કર માળખાને સરળ બનાવવામાં આવશે સાથે વર્ગીકરણ વિવાદનો અંત લાવી જીવન જરૂરિયાતની ચીજોના ભાવ નીચા આવે તેવો
પ્રયાસ કરાશે. જીએસટી કાઉન્સીલની 3-4 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં જીએસટી સ્લેબમાં સુધારનો પ્રસ્તાવ
વિચારણાં હેઠળ લાવવામાં આવશે. મીડિયા રિપોર્ટસ
અનુસાર બાંધકામ ક્ષેત્રે જરૂરી સિમેન્ટમાં જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
જે હાલ ર8 ટકા છે તેને 18 ટકા કરવામાં આવે તેવી સંભાવના
છે. આગામી બેઠકમાં વ્યક્તિગત જીવન અને સ્વાસ્થ્ય વીમા પર ટેકસ શૂન્ય કરવાનો પ્રસ્તાવ
પણ વિચારણાં હેઠળ લવાશે. જેથી વીમાની પહોંચ વધે અને વધુને વધુ લોકો વીમા કવર લેવા પ્રેરાય.