નવી દિલ્હી, તા. 27 : ભારત અને
અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ ચાલી રહ્યો છે. નવો ટેરિફ લાગુ થયાના એક દિવસ પહેલા
ભારત અને અમેરિકાના વિદેશ અને રક્ષા વિભાગના અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી. આ વાતચીતમાં
દ્ગિપક્ષીય મુદ્દા, ક્ષેત્રીય
રક્ષા ગતિવિધિ અને રણનીતિક પ્રાથમિકતાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.
બન્ને દેશોએ વ્યાપાર, ઉર્જા સુરક્ષા, પરમાણુ
ઉર્જા સહયોગ, દુર્લભ ધાતુના ખનન અને આતંકવાદ સામે સહયોગ મુદ્દે
પણ ચર્ચા કરી હતી. આ વાતચીત વર્ચ્યુઅલ માધ્યમથી થઈ હતી. જેની જાણકારી વિદેશ મંત્રાલય
તરફથી જારી કરવામાં આવી હતી. જો કે ટ્રમ્પ પ્રશાસન તરફથી લાદવામાં આવેલા ટેરિફ મુદ્દે
ચર્ચા થઈ છે કે નહી તે સામે આવ્યું નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે બે દિવસ પહેલા જ
કહ્યું હતું કે બન્ને દેશ સંપર્કમાં છે. જો કે વાતચીતની અસર ટેરિફ ઉપર પડશે તેવી કોઈ
સંભાવના નથી. ભારત-અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ સ્તરની વાતચીતમાં વિદેશ અને રક્ષા મંત્રી
સામેલ થાય છે. મંત્રીસ્તરની વાતચીતમાં નિર્ણયોની સમીક્ષા માટે મધ્યસ્થતા સ્તરે ચર્ચા
કરવામાં આવે છે. જેમાં ભારતીય વિદેશ મંત્રાલયના અતિરિકત સચિવ નાગરાજ નાયડૂ અને રક્ષા
મંત્રાલયના સંયુક્ત સચિવ વિશ્વેષ નેગી તેમજ અમેરિકા તરફથી વરિષ્ઠ અધિકારી બેથાનીપી મારીસન અને રક્ષા મંત્રાલયના પ્રચારી સહ
સચિવ જેડીડાહ રોયલે સહઅધ્યક્ષતા કરી હતી. ભારતે કહ્યું હતું કે, બન્ને દેશ રક્ષા સહયોગ આગળ વધારવા માટે સહમત છે. જેના હેઠળ આગામી 10 વર્ષ માટે ભારત-અમેરિકા રક્ષા
ભાગીદારીના નવા માળખા ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે. જેમાં રક્ષા ક્ષેત્રમાં ટેક્નોલોજી
સહયોગ, સંચાલન સમન્વય, ક્ષેત્રીય
સહયોગ, સુચના શેર કરવા ઉપર ભાર મુકવામાં આવશે. આ ઉપરાંત બન્ને
દેશોએ ક્વાડ હેઠળ હિંદ પ્રશાંત ક્ષેત્રને વધારે સુરક્ષિત, મજબૂત
અને સમૃદ્ધ બનાવવા પ્રતિબદ્ધતા દોહરાવી હતી.