ભુજ, તા. 27 : ઓધવપાર્ક - બેની ડી તથા ઈ લાઈનમાં
બારમાસી ગટરનાં પાણી ભરાવાથી લોકો પરેશાન બન્યા છે. ગંદકીને કારણે આરોગ્યને લગતા પ્રશ્નો
ઊભા થઈ રહ્યા હોવાની ફરિયાદ ઊઠી હતી. આ બાબતે ભુજ સુધરાઈના મુખ્ય અધિકારીને કરાયેલી
ફરિયાદમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના શૈલેશ જોષીએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં મકાનો વધી જતાં એ તમામની ગટરલાઈનો
ઉપરોક્ત લાઈનમાં જોડી દેવાથી વારંવાર ચોકઅપ થઈ જતાં તેમજ અમારા અવર-જવરના રસ્તા પણ
ખૂબ જ નીચાણમાં હોવાથી તમામ પાણી ત્યાં ભેગું થાય છે અને પંદર દિવસ સુધી ભરાયેલું રહે
છે. હાલમાં ચોમાસાનાં વરસાદી પાણી તેમજ ગટરનાં પાણી શેરીમાં ભરાયેલાં રહેતાં હોવાથી
રોગચાળો વધી ગયો છે, જેથી આ સમસ્યા કાયમી ઉકેલવા માંગ કરી હતી.