ગાંધીધામ, તા. 27 : આદિપુરમાં આવેલી વેજીટેબલ માર્કેટનું
લગભગ 58 લાખના ખર્ચે નવીનીકરણ કરવાનું
હતું એજન્સીને માર્ચ 2024માં વર્ક
ઓર્ડર આપીને ચાર મહિનામાં કામ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ અહીં દબાણો સહિતની સમસ્યાઓ હોવાથી 15 મહિનાથી એજન્સી કામ શરૂ કરી
શકી નથી ને હવે આ નવીનીકરણનું કામ રદ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું
જાણવા મળી રહ્યું છે. તત્કાલીન સમયની નગરપાલિકાની
ગંભીર બેદરકારી અને ત્યાર પછી મહાનગરપાલિકા દ્વારા તે બાબતે કોઈ ધ્યાન ન અપાતાં 15 મહિના જેટલો સમય વીતી ગયો છે
તેમ છતાં વેજીટેબલ માર્કેટમાં 58.18 રૂપિયાના
ખર્ચે પ્લેટફોર્મ તથા સીસી પેવરબ્લોકની કામગીરી કરવાની હતી તે શરૂ જ થઈ નથી. અહીં દબાણ
સહિતની સમસ્યા હતી. એજન્સીએ તત્કાલીન સમયની નગરપાલિકા અને ત્યાર પછી જાન્યુઆરી મહિના
બાદ મહાનગરપાલિકાને આ બાબતે ધ્યાન દોર્યું હતું,
પણ કોઈએ પગલાં ન ભર્યાં ને દબાણ ઉપર કાર્યવાહી કરવાની તસ્દી લીધી નહીં
અને જે અન્ય સમસ્યા આસપાસમાં સર્જાયેલી છે તેને દૂર કરવા માટેના વહીવટી તંત્ર દ્વારા
કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નહીં તેના કારણે એજન્સી કામ શરૂ કરી શકી નથી અને લગભગ દોઢ
વર્ષ જેટલો સમય વિતવા આવ્યો છે આ વેજીટેબલ માર્કેટમાં નવીનીકરણનું કામ શરૂ કરવાના બદલે
તત્કાલીન સમયે જે એજન્સીને કામ આપ્યું હતું તે કામ રદ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં
આવી છે. સૂત્રોનું માનીએ, તો તે વેજીટેબલ માર્કેટનું જે માર્ચ
2024માં એજન્સીને કામ આપ્યું હતું, તે રદ કરીને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરીને
વેજીટેબલ માર્કેટનું નવીનીકરણ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ 15 મહિના કરતાં
વધુનો સમય વીતી ગયો અને વેજીટેબલ માર્કેટની સ્થિતિ અત્યંત ખરાબ છે. અહીં વરસાદમાં કાદવ-કીચડનું
સામ્રાજ્ય રહે છે, ગંદકી ફેલાયેલી
રહે છે. નવીનીકરણ અતિ જરૂરી હતું તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યાં નહીં અને માર્કેટનું
નવીનીકરણ થયું નહીં પરિણામે અહીં બેસતા નાના ધંધાથીઓ અને લોકો બંને હેરાન થાય છે. તંત્ર
માત્ર તમાશો જોવાનું કામ કરતું હોવાના ગંભીર આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા
છે.