રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : ભારતની સફળ લોકશાહીની
નોંધ આજે વિશ્વમાં લેવાય છે. ભારતનાં અર્થતંત્ર અને સંરક્ષણ શક્તિનો સ્વીકાર થાય છે, ત્યારે આપણાં લોકતંત્રને બદનામ કરી દેશની એકતા,
શક્તિ નબળી પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે ! અલબત્ત, આપણે ઘણા ચૂંટણી સુધારા કર્યા છે. ચૂંટણીમાં મની પાવર અને મસલ પાવરની બોલબાલા
ખતમ કરવાનાં પગલાં લેવામાં આવ્યાં છે, પણ ચૂંટણીખર્ચની મર્યાદા
કોણ પાળે છે ? પ્રદેશવાદ, ભાષાવાદ અને જાતિવાદ
હજુ પણ જોરમાં છે. રાજકારણનાં અપરાધીકરણ રોકવાના પ્રયાસ થયા હોવા છતાં રોકાયું છે
? મોટા અપરાધીઓ રાજકારણમાં હાવી થયા છે. કાયદાનો ભય નથી. કાયદાને તો
રાજકારણીઓનો ભય હોય છે, કારણ કે કાયદા કરતાં નેતાઓના હાથ વધુ
લાંબા છે ! આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીની શરાબનીતિમાં લાયસન્સ આપીને
`મની લોન્ડરિંગ' (બ્લેક મનીનું ડ્રાયક્લીનિંગ) કરવાના કેસમાં
જેલવાસ ભોગવતા હતા. માર્ચ - 2024માં પકડાયા પછી છ મહિના જેલ ભોગવી. સુપ્રીમ કોર્ટે જામીન ઉપર
છોડયા, પણ મુખ્યપ્રધાનનાં સરકારી કાર્યાલયમાં પ્રવેશ
નહીં કરવાની શરત - તાકીદ હતી. કેસના સાક્ષીઓ તથા કેસને લગતી ફાઇલો જોવાની પણ મનાઈ હતી.
આ રીતે કેજરીવાલ મુખ્યપ્રધાનપદે ચાલુ રહ્યા. જનતા અને વિપક્ષની માગણી હોવા છતાં રાજીનામું
આપવા તૈયાર નહોતા. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું - ચૂંટાયેલા નેતાને રાજીનામું આપવાની ફરજ
પાડવાની કોર્ટને સત્તા નથી ! કેજરીવાલ કોર્ટને અને વિરોધીઓને અંગૂઠો બતાવતા રહ્યા
! આખરે જનતાની અદાલતે સજા ફરમાવી. તાજેતરમાં તામિલનાડુના પ્રધાન વી. સેન્થિલ બાલાજી
મની લોન્ડરિંગમાં પકડાયા. વર્ષ 2023માં નોકરી આપવાનાં બહાને નાણાં લીધાં - લોકોને લૂંટયા. 14 મહિના જેલમાં રહ્યા, પણ ગવર્નર અને વિપક્ષનાં દબાણથી આખરે પ્રધાનપદનું
રાજીનામું આપ્યું. સપ્ટેમ્બર - 2024માં સુપ્રીમ કોર્ટે જામીન ઉપર છોડયા, કારણ કે એમનો કેસ લાંબા સમય સુધી ચાલે એમ હતો.
જામીન ઉપર છૂટયા પછી મુખ્યપ્રધાને એમને ફરીથી કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા. ઇડીએ સુપ્રીમ
કોર્ટને કહ્યું - પ્રધાન બન્યા પછી કેસના પુરાવા અને સાક્ષીઓ ઉપર દબાણ કરશે. હકીકતમાં
અગાઉ રાજીનામું આપ્યા પછી જામીન માટે અરજી કરી હતી. જામીન ઉપર છૂટવા માટે જ રાજીનામાનું
નાટક કરીને સુપ્રીમ કોર્ટની ખોટી છાપ પાડી હતી. આખરે સુપ્રીમ કોર્ટે જામીન રદ કરીને
કહ્યું જામીન જોઇએ કે પ્રધાનપદ, નક્કી કરો. નાછૂટકે પ્રધાનપદનું
રાજીનામું આપ્યું ! આવા કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટના હાથ પણ બંધાયેલા - ટૂંકા પડે છે
! ચૂંટણી પહેલાં ઉમેદવારોએ એમની તમામ વિગતો - `જન્મપત્રી' જાહેર કરવી પડે છે - કેટલા અપરાધમાં સંડોવણી
છે - કેટલા - અને ક્યા ફોજદારી કેસ છે વગેરે. વર્ષ 2024માં ચૂંટાયેલા કુલ સભ્યોના
46 ટકા માનનીય સભ્યો સામે ક્રિમિનલ
કેસ ઊભા હતા. 2009માં આ ટકાવારી 30 હતી ! આ વર્ષે સુપ્રીમ કોર્ટે
તપાસ કરાવી તો જાણવા મળ્યું કે સંસદ અને વિધાનસભ્યો ઉપર કુલ 5000 ફોજદારી કેસ હજુ ચાલે છે !
પ્રશ્ન એ છે કે રાજકીય પક્ષો આવા નેતાઓને ટિકિટ શા માટે આપે છે ? કારણ કે, એમની દબંગ
- હાક વાગતી હોય છે - આસાનીથી જીતી શકે છે અને જીત્યા પછી એમની સામે આંગળી ચીંધવાની
હિંમત કોની હોય ? આવા - તમામ રાજકીય પક્ષોના ચૂંટાયેલા સભ્યોનાં
નામ - મતદારયાદીની જેમ જાહેર કરવાં જોઇએ, જેથી એમના પક્ષોને પણ
લોકો જાણી શકે ! આપણા રાજકીય ઈતિહાસમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ છે, જેમણે જેલમાં બેસીને સરકાર ચલાવી હોય ! કોર્ટ અને વિપક્ષને - મોદી સરકારને
અંગૂઠો બતાવ્યો ત્યારે જ મુખ્યપ્રધાનોને પણ કાયદો લાગુ પાડવો જોઇએ - સજા થયા પછી મુખ્યપ્રધાનપદ
અને વિધાનસભાનું સભ્યપદ ગુમાવે તેવા કાયદાની માંગ ઊઠી હતી, પણ
રાજકીય કિન્નાખોરીની ટીકા થઈ શકે તેથી નિર્ણય લેવાયો નહીં. હવે આ વિષયમાં `લો કમિશન'ના રિપોર્ટ તથા સુપ્રીમ કોર્ટનાં ટીકા - ટિપ્પણીનો
અભ્યાસ કરીને મોદી સરકારે સંસદમાં ખરડા પેશ કર્યા છે. વડાપ્રધાન, મુખ્યપ્રધાનો અને પ્રધાનો - કોઈપણની કાયદેસર ધરપકડ - અટકાયત થાય અને સતત ત્રીસ
દિવસ સુધી જેલવાસ ભોગવ્યો હોય તો એકત્રીસમા દિવસે હોદ્દા - પદનું રાજીનામું આપવું પડશે
અને આપે નહીં તો વડાપ્રધાનની ભલામણ પછી રાષ્ટ્રપતિ સંબંધિત પ્રધાન કે મુખ્યપ્રધાનને
હોદ્દા - સભ્યપદ ઉપરથી ભ્રષ્ટ કરે. સંબંધિત પ્રધાને જે કાયદાનો ભંગ કર્યો હોય તેના
અન્વયે અપરાધની સજા ઓછાંમાં ઓછી પાંચ વર્ષની હોય તે જરૂરી છે. આ સુધારો સંવિધાનની કલમ
75, 164 અને 239 અઅમાં સૂચવાયો છે. સંબંધિત
પ્રધાન - સંવિધાનમાં જનતાએ મૂકેલા વિશ્વાસ - શ્રદ્ધાનો ભંગ કરે તે ચલાવી લેવાય નહીં.
સંવિધાનમાં આ સુધારાને ગૃહમાં હાજર હોય તેના બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન મળવું જોઇએ.
ખરડો ગૃહમાં રજૂ થયા પછી વિપક્ષી નેતાઓએ ભારે વિરોધ કર્યો, પણ આ ખરડો રાજ્યસભાના દસ અને લોકસભાના 21 સભ્યની સંયુક્ત સમિતિને મોકલવામાં
આવ્યો છે, જ્યાં તેનો વિગતે અભ્યાસ, ચર્ચાવિચારણા કરીને સંસદનાં આગામી સત્રના પ્રથમ દિવસે અહેવાલ આપશે. શક્ય સુધારા
પણ સૂચવે તેની ચર્ચા થયા પછી મંજૂરી મળશે. વિપક્ષી નેતાઓએ આ `રાક્ષસી'
ખરડાથી વડાપ્રધાન સરમુખત્યાર બની જશે એવી ટીકા કરી છે. રાજ્યોની સત્તા
ઉપર તરાપ છે, સરકારી એજન્સી આનો દુરુપયોગ કરશે અને વિપક્ષી રાજ્ય
સરકારો સમવાય તંત્ર - ફેડરલ સિસ્ટમ અસ્થિર બનશે - એવી ટીકા છે. વિપક્ષની ટીકામાં અમુક
અંશે તથ્ય છે. સરકાર ગમે તે પક્ષની હોય એજન્સીઓની સત્તાનો રાજકીય ઉપયોગ થાય જ. યુપીએ
સરકાર વખતે સુપ્રીમ કોર્ટે સીબીઆઈની પિંજરાંમાં બેઠેલા પોપટ સાથે સરખામણી કરી હતી,
પણ સંબંધિત પ્રધાન કે મુખ્યપ્રધાન અદાલતમાં ફરિયાદ કરી શકે છે અને જો
અપરાધ મુક્ત થાય તો ફરીથી હોદ્દા ઉપર આવી શકે છે, છતાં પ્રશ્ન
અદાલતી કાર્યવાહીનો છે. સુનાવણી ક્યારે પૂરી થાય અને ચુકાદો ક્યારે આવે ? આવા કેસ માટે અલગ અદાલત - બેન્ચની વ્યવસ્થા હોવી જોઇએ. ન્યાયતંત્રનો સિદ્ધાંત
છે કે અપરાધ પુરવાર થાય નહીં ત્યાં સુધી વ્યક્તિ નિર્દોષ ગણાય, તો પછી માત્ર કસ્ટડીમાં હોય ત્યારે
અપરાધી કેમ ગણાય ? આ દલીલ છે, છતાં જાહેર
જીવનમાં નેતાઓએ નૈતિક જવાબદારી લેવી પડે, પોતે પ્રામાણિક - શુદ્ધ
હોય તેમ બતાવવું પણ જોઇએ. અમિત શાહે નૈતિક ધોરણે રાજીનામું આપ્યું અને અદાલતે ચુકાદો
આપ્યો કે રાજકીય કિન્નાખોરીથી કેસ થયા છે - તે પછી એમણે હોદ્દો સ્વીકાર્યો હતો. એલ
કે અડવાણીએ પણ હવાલા કેસમાં નામ આવતાં જ પક્ષનાં પ્રમુખપદેથી અને લોકસભાનાં સભ્યપદેથી
રાજીનામાં આપી દીધાં હતાં. ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને પણ ધરપકડ પછી રાજીનામું
આપ્યું હતું. આમ, જાહેર જીવનમાં સત્તા - કાયદાથી ઉપર નૈતિક જવાબદારી
હોવી જોઇએ. આ ખરડો ચૂંટણી સુધારાની દિશામાં મહત્ત્વનું પગલું છે.