• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

કૂતરાં કરડવાનું જોખમ

અબોલ જીવોની સામે દયાની અનિવાર્યતા સતત વધી રહી છે, પણ ભારતમાં આ દયાના અતિરેકને લીધે માનવીઓને ભોગવવું પડતું હોવાના કિસ્સા સામે આવતા રહે છે. આમાં ખાસ તો દેશભરમાં કૂતરાંઓનો આતંક દિવસો દિવસ જોખમી બની રહ્યો છે. નાના શહેરોથી માંડીને મહાનગરોમાં કૂતરાંના બટકા ભરવાથી લોકો ઘાયલ થઈ રહ્યા છે અને અમુક કિસ્સામાં લોકોનાં મોત પણ થવા લાગ્યાં છે. અમુક કિસ્સામાં તો કૂતરાંઓએ કુમળાં બાળકોને પણ છોડયા ન હોવાની અરેરાટીભરી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. આમ તો ભારતમાં જીવદયાપ્રેમીઓ કૂતરાંનાં રક્ષણ માટે સતત જાગૃત રહેતા આવ્યા છે, પણ હવે આ જીવલેણ બનતી જીવદયાની સામે લોકોનો રોષ વધી રહ્યો છે. મામલો હવે અદાલોતો સુધી પહોંચવા લાગ્યો છે. કૂતરાંઓને જાહેરમાં ખાવાનું આપનારાને હેરાન કરાતા હોવાની અરજી કરનારાની સામે સર્વોચ્ચ અદાલતે સવાલ કર્યો છે કે, તમે કૂતરાંઓને તમારાં ઘરમાં જ ખાવાનું શા માટે આપતા નથી.  હાલત એવી છે કે, શેરીમાં કે માર્ગો પર કૂતરાંને ભોજન આપવાથી કૂતરાં એક સ્થળે એકઠા થઈને રાહદારીઓની ઉપર હુમલા કરતા થાય છે. સર્વોચ્ચ અદાલતે એવો પણ સવાલ કર્યો છે કે, દેરક ગલી કે માર્ગને કૂતરાંને ખાવાનું આપતા દિલદારો માટે ખાલી છોડી દેવા જોઈએ ખરા.  આમ જીવદયા પ્રેમની માર્યદાઓ રેખાકિંત કરવાની માંગ અને મત પ્રબળ બની રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનના એક અહેવાલ મુજબ દુનિયામાં કૂતરાં કરડવાને લીધે થતી બીમારી રેબીસથી થતાં મોતની વૈશ્વિક ટકાવારીમાંથી 36 ટકા મોત ભારતમાં થાય છે. આમ ભારતની સ્થિતિ ભારે ચિંતાજનક છે. ખાસ તો કૂતરાં કરડવાના કેસમાં અનિવાર્ય રસીની ઉપલબ્ધિ પૂરતાં પ્રમાણમાં નથી.સાથોસાથ શેરી કૂતરાંઓનાં નિયમન પર નિયંત્રણો ભારે કડક છે. ન્યાયતંત્રે હવે જીવદયાની સાથોસાથ માનવદયાને પણ ધ્યાનમાં લઈને આ પડકારભરી સ્થિતિને કાબૂમાં લેવામાં સક્રિયતા બતાવવી જોઈએ. ખેરખર તો આરોગ્ય તંત્રે કૂતરાં કરડવાના કેસમાં જરૂરી સારવારની વ્યવસ્થા પૂરતાં પ્રમાણમાં રાખવી જોઈએ તેની સાથોસાથ રખડતાં કૂતરાંની દેખભાળ માટે કાયમી વ્યવસ્થા ગોઠવાવી જોઈએ, જેથી સામાન્ય લોકોની સલામતી જળવાયેલી રહે. 

Panchang

dd