લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ સામે જે એટમ
બોમ્બ ફોડવાની ધમકી આપી હતી, તેનો
અમલ આખરે એમણે કરી બતાવ્યો છે, પણ એટમ બોમ્બના `ધડાકા'ની અસર - ધ્રુજારી થઈ નથી. લોકસભાની 2024ની ચૂંટણીમાં બેંગ્લોરની બેઠક
માટે થયેલાં મતદાનમાં એક લાખથી વધુ `વોટચોરી' થઈ હોવાનો
આક્ષેપ ચૂંટણીપંચ અને ભાજપ ઉપર કર્યા પછી ગણતરીના કલાકોમાં ચૂંટણીપંચે રાહુલ ગાંધીને
પત્ર લખીને જણાવ્યું છે કે, તમારા સહી સિક્કા સાથે - શપથપત્ર
પંચને સુપરત કરો. જે મતદારોનાં નામ તમે આપ્યાં છે તેનો ઉલ્લેખ પણ કરો. નોંધપાત્ર છે
કે, રાહુલ ગાંધીએ કર્ણાટક, મહારાષ્ટ્ર અને
હરિયાણાની ચૂંટણીમાં `વોટચોરી' થયાના આક્ષેપ કર્યા હોવાથી આ ત્રણે રાજ્યના
ચીફ ઇલેક્શન ઓફિસરોએ અલગ-અલગ પત્ર લખીને `શપથપત્ર'ની માગણી
કરી છે. નવી દિલ્હીમાં રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ પૂરી થયા પછી તરત જ ચૂંટણીપંચ તરફથી
રાહુલ ગાંધીને ઉપરોક્ત પત્રો મોકલવામાં આવ્યા અને ગુરુવારે મોડી રાત સુધી રાહ જોઈ પણ
જવાબ આવ્યા ન હતા. ચૂંટણીપંચે `શપથપત્ર' માગ્યા
પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, હું રાજકીય નેતા છું અને જનતા સમક્ષ
નિવેદન ફરિયાદ કરી છે, તેને શપથવિધિ ગણવી જોઈએ, પણ રાજકીય નેતાઓ ચૂંટણીની પ્રચારસભાઓમાં બેફામ આક્ષેપ કરતા હોય છે - તે અલગ
વિષય છે: ચૂંટણીપંચ સામેના આક્ષેપ ગંભીર છે - સંવિધાનમાં ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણીપંચ
સર્વસત્તાધીશ અને સંપૂર્ણ જવાબદાર હોય છે, તેથી કાનૂન મુજબ આક્ષેપની
તપાસ થવી જોઈએ. આખરે ચૂંટણીપંચની પ્રતિષ્ઠા, વિશ્વસનીયતાનો સવાલ
છે, તેથી જાહેરસભાના ધોરણે નિર્ણય - ચુકાદો આપી શકાય નહીં. હકીકતમાં
બંધારણની કલમ હેઠળ ચૂંટણી અધિનિયમ 1960 અંતર્ગત 20 (3) બી
હેઠળ કોઇ પણ નાગરિક મતદારયાદીની ગેરરીતિ સાથે શપથપત્ર આપે છે અને ત્યારબાદ ચૂંટણીપંચ
તેની તપાસ કરે છે. જો આરોપ ખોટા સાબિત થાય તો તેને જેલ પણ થઇ શકે છે. ચૂંટણીપંચે આ
જોગવાઇનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધી પાસેથી શપથપત્ર અને પૂરાવા માગ્યા છે, પણ તેઓ આવું શપથપત્ર આપવા તૈયાર નથી. રાહુલ
ગાંધી કહે છે કે, લોકસભાની એક બેઠકમાં એક લાખ વોટની `ચોરી'
થઈ તે પછી મહારાષ્ટ્ર અને હરિયાણામાં અને કદાચ આખા દેશમાં આવું થયું
હોય પણ પંચ કહે છે - કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના શાસન વખતે રાજ્ય સરકારના કર્મચારીઓ
ચૂંટણીનાં કામ માટે લેવાયા હતા અને મતદાન યાદીઓની વાર્ષિક સુધારા - ચકાસણી કરવામાં
આવી હતી, પણ ત્યારે કોંગ્રેસની ફરિયાદ ન હતી. હવે રાહુલ ગાંધી
આક્ષેપ કરે છે, પણ ત્રણે રાજ્યમાં ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી
ફરિયાદ કરવાની મુદત પૂરી થઈ છે, તેથી હવે પરિણામ બદલી શકાય નહીં.
રાહુલ ગાંધી પરિણામ બદલવા કરતાં ચૂંટણીપંચ અને ભાજપ ઉપર અવિશ્વાસ સાબિત કરવા માગે છે
એમ જણાય છે. આખરે સવાલ અને શંકા ચૂંટણીપંચની વિશ્વસનીયતા સામે હોવાથી શક્ય તેટલી નિષ્પક્ષ
તપાસ અને પરિણામ આવે તે જરૂરી છે.