આ ચોમાસે મુખ્ય પ્રવાહનાં માધ્યમો અને સોશિયલ ગણાતા મીડિયામાં
તૂટેલા રસ્તાનાં દૃશ્યો સતત વહેતાં થયાં. નાના નગરથી લઈને દેશના મહાનગરોમાં રસ્તા તૂટવાના
બનાવ એકસરખા બન્યા. એમ કહીએ કે, બિસમાર
રસ્તા, ખાડાના સંદર્ભે શહેર ગામડાંનો ભેદ ભૂલાઈ ગયો. તેમાં બરાબર
ગુજરાતમાં પુલ તૂટવાની દુર્ઘટના બની. સમગ્ર દેશમાં માર્ગોની આવી સ્થિતિ સામે રોષ ફેલાયો.
ગુજરાતમાં તો મુખ્યમંત્રીએ એક નહીં, બે-બે વાર વિશેષ બેઠક બોલાવીને
રસ્તા-ખાડા, પુલનાં કામ માટે તંત્રને તાકીદ કરી. જો કે,
જનતાનાં મનમાં વિશ્વાસ નથી, પરંતુ હવે આ રસ્તાના
મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ પ્રશાસનનો કાન આમળ્યો છે. આશા છે હવે સ્થિતિ સુધરવાની શરૂઆત
થશે. ગુરુવારે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સારા રસ્તા દેશની પ્રજાનો
મૌલિક અધિકાર છે. માર્ગનાં નિર્માણનું કામ કોઈ કોન્ટ્રાક્ટરને આપવાને બદલે તેની જવાબદારી
રાજ્ય સરકારે પોતે જ લઈ લેવી જોઈએ. માર્ગનું નિર્માણ, સમારકામ
તથા નિભાવ સહિતનાં કામ સરકારે કરવા તેવું પણ અદાલતે કહ્યું. સર્વોચ્ચ અદાલતે આ રસ્તા
જેવી બાબતમાં ક્યાંથી આવવું પડયું ? વાત એમ છે કે, મધ્યપ્રદેશ માર્ગ વિકાસ નિગમે રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર કંપની વિરદ્ધ એક
અરજી મધ્યપ્રદેશ કોર્ટમાં કરી હતી, જેનો હાઈકોર્ટે સ્વીકાર કર્યો
હતો. કંપનીએ સર્વોચ્ચ અદાલતમાં સામે અરજી કરી ત્યારે આ પ્રશ્ન ઊઠયો કે, આ કોન્ટ્રાક્ટ તો રાજ્ય સરકાર જ આપે છે, તો તેની વિરુદ્ધ
અરજી ઉપર સુનાવણી થઈ શકે સરકારે પોતે જ આ કામ કરવું જોઈએ તેવું સર્વોચ્ચ અદાલતે કહ્યું,
તે વાત બહુ મોટી છે. ફક્ત રસ્તા જ નહીં, મહાનગરપાલિકાઓના
કાર્યક્ષેત્રમાં એવા અનેક કામ છે, જે તેણે પોતે કરવા જોઈએ,
પરંતુ કરોડો રૂપિયા દઈને તેના માટે પહેલાં કન્સલટન્ટ નિયુક્ત થાય પછી
કોન્ટ્રાક્ટ અપાય. દરેક મહાનગરપાલિકા પાસે માસ્ટર ઓફ એન્જિનીયરિંગ થયેલા અધિકારીઓ હોય
છે. ઈજનેરની મોટી ફોજ હોય છે છતાં બગીચા, ટ્રાફિક સિગ્નલ સહિતનાં
કામો માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એમાંથી `કટકી'
મોટાં પ્રમાણમાં થાય છે. રસ્તા તૂટવાની વાત લાગે સામાન્ય, પરંતુ તે ગંભીર બાબત છે. કરોડો રૂપિયા ટોલટેક્સ, મિલકત
વેરા પેટે પ્રજા ભરે છે, પછી પણ પરિણામ તો આ જ. આમ તો આ રસ્તા,
સફાઈ, રસ્તાની લાઈટ જેવી બાબતો પ્રશાસન અને સરકારની
તદન પ્રાથમિક ફરજ છે. રસ્તા નિર્માણનાં કામ માટે પણ શ્રીફળ વધેરીને મુહૂર્ત કરવાના
ન હોય, પરંતુ મોટાપાયે બધું ચાલે છે, તેમાં
પણ વાંધો નથી, પરંતુ તે કર્યા પછી પણ કામની ગુણવત્તા જળવાતી નથી.
આવાં સામાન્ય કામ માટે પણ સર્વોચ્ચ અદાલતે નોંધ લઈને અભિપ્રાય કે નિર્દેશ આપવો પડે
તે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન બધા માટે શરમજનક કહેવાય.