ચેન્નાઇ, તા. 10 : આગામી યુદ્ધ જલ્દી થઇ શકે છે, તેવી ચિંતાજનક ચેતવણી ભારતીય સૈન્યના વડા જનરલ
ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે આપી હતી. આપણે એ મુજબ તૈયારી કરવી પડશે અને આ વખતે સાથે
મળીને આ લડાઇ લડવી પડશે, તેવું તેમણે કહ્યું હતું. આઇઆઇટી મદ્રાસમાં
યોજિત એક કાર્યક્રમમાં સેનાવડાએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર
વખતે સરકારે સશત્ર દળોને છૂટો દોર આપ્યો હતો. જે કરવું છે, તે
કરો, તેવી આઝાદી સેનાઓને સરકારે આપી હતી. અમે પહેલગામ આતંકવાદી
હુમલાના બીજા જ દિવસે 23 એપ્રિલના
બેઠક કરી. સંરક્ષણ મંત્રીએ પણ પહેલીવાર કહ્યું હતું કે, હવે ઘણું થઇ ગયું. ત્રણેય સેનાના પ્રમુખ એ વાત
પર એકમત હતા કે, કંઇક કરવું જોઇએ, તેવું
જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું. સેનાધ્યક્ષ બોલ્યા હતા કે, આ રાજનીતિક
દિશા અને સ્પષ્ટતાનું એવું ઉદાહરણ હતું, જે અમે પહેલીવાર જોયું.
`ઓપરેશન સિંદૂર'માં અમે એક પ્રકારે શતરંજની રમત રમી રહ્યા હતા.
ખબર નહોતી કે, દુશ્મનની આગલી ચાલ કઇ હશે અને અમારી નવી ચાલ કઇ
હશે, તેવું જનરલ દ્વિવેદીએ સમારોહમાં કહ્યું હતું. મતલબ કે,
અમે પરંપરાગત યુદ્ધ લડી રહ્યા જ નહોતા. અમે ચાલ ચાલતા હતા, દુશ્મન પણ ચાલ ચાલતો હતો. ક્યાંક અમે શત્રુને રોકટોક કરી રહ્યા હતા. ક્યાંક
અમારા જીવ જોખમમાં નાખતા હતા. તેનું જ નામ જિંદગી છે. સેના પ્રમુખે કહ્યું હતું કે,
25મી એપ્રિલના અમે ઉત્તરી કમાન પર ગયા, ત્યાં જ વિચારણા કરી, યોજના ઘડી અને અમલી પણ કરી હતી. અમે સાત ઠેકાણાં તબાહ કરી નાખ્યાં અને મોટી
સંખ્યામાં આતંકવાદીઓનો પણ સફાયો કર્યો. 29 એપ્રિલના દિવસે પહેલીવાર વડાપ્રધાન સાથે મુલાકાત થઇ. એ મહત્ત્વ
પૂર્ણ છે કે, એક નાનકડું નામ `ઓપરેશન સિંદૂર' આખા દેશને જોડે છે. આ કાર્યવાહીએ સમગ્ર દેશને
પ્રેરિત કર્યો, તેવું સેનાવડા જનરલ દ્વિવેદી બોલ્યા હતા.