નવી દિલ્હી, તા. 10 : અમેરિકામાં
કોવિડ-19નાં એક નવા વેરિઅન્ટનાં કેસમાં ચિંતાજનક
વધારો જોવા મળી રહ્યો છે. એક્સએફજી વેરિઅન્ટને બોલચાલની ભાષામાં સ્ટ્રેટ્સ કહેવામાં
આવે છે અને અમેરિકા ઉપરાંત યુરોપનાં દેશોમાં પણ તેનો ઝડપી ફેલાવો જોવા મળી રહ્યો છે.
એક્સએફજી વેરિઅન્ટ પહેલીવાર જાન્યુઆરીમાં દક્ષિણ-પૂર્વ એશિયામાં દેખાયો હતો. મે માસ
સુધીમાં આ વેરિઅન્ટનાં કેસ નગણ્ય હતાં પણ જૂનમાં તેમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.
જૂનનાં અંત સુધીમાં કોરોનાનાં આ રૂપનાં કેસમાં 14 ટકાનો વધારો દેખાઈ ગયો હતો. અમેરિકામાં પણ માર્ચ સુધીમાં એક્સએફજીનો
એકેય કેસ નોંધાયો નહોતો પણ પછી ત્યાં ધીમેધીમે તેનાં કેસમાં ઉછાળો આવવા લાગ્વ્યો. એપ્રિલમાં
તે 2 ટકા સુધી પહોંચ્યો અને પછી જૂનની શરૂઆતમાં
11 ટકા અને જૂનનાં અંત સુધીમાં
14 ટકા જેટલા કેસ થઈ ગયા. વિશ્વ
સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યૂએચઓ) અનુસાર એક્સએફજી એક એવો વેરિઅન્ટ છે જે એલએફ-7 અને એલપી-8.1.2 વંશોનો પુનર્યોગ છે.