બેંગ્લોર, તા. 10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે
જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરમાં
આતંકવાદીઓ તેમજ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દેવાની ભારતીય સૈનિકોની તાકાત આખી દુનિયાએ
જોઈ છે. ભારતને `મૃત અર્થવ્યવસ્થા' કહેનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને
નામ લીધા વિના જવાબ આપતાં મોદીએ કહ્યું હતું કે, ભારત દુનિયાની
સૌથી વધુ ઝડપ સાથે વિકસતી અર્થવ્યવસ્થા છે. ટોચના પાંચમાં સ્થાન પામ્યા પછી ટૂંક સમયમાં
ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આતંકપરસ્ત પાકને પછડાટ આપવામાં
મળેલી સફળતા પાછળ ભારતની ટેક્નોલોજી અને મેક ઈન ઇન્ડિયાની તાકાત છે, એવું મોદીએ કહ્યું હતું. કર્ણાટક પ્રવાસે પહોંચેલા વડાપ્રધાને આજે બેંગ્લોરના
કેએસઆર રેલવે સ્ટેશન પર ત્રણ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી હતી. એ સિવાય
22 હજાર કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની
વિવિધ વિકાસ યોજનાનો પ્રારંભ અને પાયાવિધિ વડાપ્રધાન મોદીએ કર્યાં હતાં.આ અવસરે મોદીએ
જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક
એઆઈની દિશામાં આગળ વધી રહ્યું છે. સેમિકન્ડક્ટર મિશન ગતિ પકડી રહ્યું છે. જલ્દી મેક
ઈન ઇન્ડિયા ચિપ મળવાની છે. યુપીઆઈથી દુનિયાના 50 ટકાથી વધુ રિયલ ટાઈમ વ્યવહારો
ભારતમાં થઈ રહ્યા છે. સાચા સુધારા સૌથી મોટી જવાબદારી છે. આજે દેશમાં ડિજિટલાઈઝેશન
નાના ગામડાંઓ સુધી પહોંચી રહ્યું છે. 2014થી પહેલાં દેશમાં 74 એરપોર્ટ હતાં, આજે હવાઈમથકોની સંખ્યા વધીને 160થી વધુ થઈ ગઈ છે, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. - ભારતની પ્રગતિથી `બોસ'નું પેટ દુ:ખે છે : ભોપાલમાં સંરક્ષણમંત્રી સિંહના
પ્રહાર : ભોપાલ, તા. 10 : ભારત પર 50 ટકા ટેરિફ લાદવાનાં અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પગલાં પર જારી ઘમસાણ વચ્ચે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે
રવિવારે ટ્રમ્પને જડબાંતોડ જવાબ આપ્યો હતો. પોતાને દુનિયાના `બોસ'
સમજતા કેટલાક દેશોને ભારતની પ્રગતિ જોઈને પેટ દુ:ખે છે, તેવા પ્રહારો રાજનાથે કર્યા હતા. સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી દબંગ અને ગતિશીલ અર્થવ્યવસ્થા છે. કેટલાક `બોસ'
ભારતના તેજ વિકાસદરને જોઈને ઈર્ષ્યાની આગમાં સળગી રહ્યા છે. ટ્રમ્પનું
નામ લીધા વગર રાજનાથે સ્પષ્ટ રીતે ટ્રમ્પ પર આકરા પ્રહાર કર્યા હતા. અમે ઈચ્છીએ છીએ
કે, માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વનું પણ
કલ્યાણ થાય. તેનો મતલબ એમ નથી, કોઈ પણ અમારા પર હુમલો કરી જાય.
જે ભારતને છેડશે, તેને
ભારત છોડશે નહીં, તેવી ચેતવણી સંરક્ષણપ્રધાને આપી હતી.
મધ્યપ્રદેશમાં રાયસેનના ઉમરિયામાં 1800 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગ્રીનફિલ્ડ રેલ કોચ ફેકટરીની પાયાવિધિ
પ્રસંગે સિંહે કહ્યું હતું કે, દેશભરની
સ્પીડ ટ્રેનોમાં મધ્યપ્રદેશમાં નિર્મિત રેલવે કોચ જોડાશે. રાજનાથે જણાવ્યું હતું કે,
પહેલગામમાં માનવતાના દુશ્મન આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી હતી.
આતંકીઓ માનતા હતા કે, ભારત શાંત બેસી રહેશે. અમે સંકલ્પ કર્યો
કે, જડબાંતોડ જવાબ આપશું. અમે ધર્મ પૂછીને નહીં, કર્મ જોઈને મારીશું, તેવો નિશ્ચય કર્યો હતો, તેવું સિંહે ઉમેર્યું હતું. સંરક્ષણ ક્ષેત્રનો સામાન બીજા દેશો પાસેથી ખરીદવો
પડતો હતો. આજે આપણે ઘણી સામગ્રી દેશમાં જાતે જ બનાવીએ છીએ. એટલું જ નહીં, પરંતુ 24 હજાર કરોડ
રૂપિયાથી વધુ કિંમતનાં વિવિધ સંરક્ષણ સાધનોની નિકાસ પણ ભારત કરે છે તેવું સિંહે કહ્યું
હતું. આતંકવાદીઓએ પહેલગામમાં પર્યટકોને ધર્મ પૂછીને માર્યા હતા, ભારતીય જવાનોએ આતંકીઓનાં કર્મ જોઈને જવાબ આપ્યો
તેવું તેમણે જણાવ્યું હતું.