મોટા ભાડિયા (તા. માંડવી),
તા. 10 : માંડવીથી
મુંદરા વાયા ગુંદિયાળી, મોટા કાંડાગરા
માર્ગ પર આવેલા નાના ભાડિયા ગામમાં આવેલી નદી પર નવા બની રહેલા બોક્સ કલ્વર્ટ પુલના
કામનો ધમધમાટ ચાલુ છે. આ અંગે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગના ના.કા.ઈ. કલ્પેશભાઈ નાઈ
અને ઓફિસ સુપરિટેન્ડેન્ટ શ્રી બલદાણિયાએ સંયુક્ત રીતે આપેલી વિગતો મુજબ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી ચાર કરોડ 80 લાખના ખર્ચે કાર્ય થઈ રહ્યું
છે. આગામી સમયમાં આ રસ્તે થતી યાતાયાતને ચોમાસામાં કોઈપણ પ્રકારની અગવડનો સામનો કરવો
નહીં પડે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, નાના ભાડિયાની નદી પર આવેલા આ પુલનું સમારકામ
કરવાના બદલે નવનિર્માણ કરવા બાબતે અધિકારીએ કહ્યું હતું કે, પાયાથી
જ પુલ નબળો પડી ગયો હતો અને આરસીસી બાંધકામમાંથી રેતી ખરતી હતી. તેથી નવું જ બાંધકામ
શરૂ કર્યું છે, જે 130 મીટર લંબાઈ અને 12 મીટર પહોળાઈ તેમજ પાંચ મીટર ઊંચાઈ ધરાવતા આ સ્લેબ ડરેનના કાર્યમાં
ચાર-ચાર મીટરના 27 ગાળા હશે, જેથી પાણીનું વહન જલદી થઈ શકે અને પરિવહનને
કોઈ અગવડ ન પડે તે માટે માર્ચ-2026 સુધીમાં કાર્યરત થઈ જશે. ગામના માજી સરપંચ દિનેશગિરિ, જળસંચયના ક્ષેત્ર સાથે સંકળાયેલા દેવાંધભાઈ
ગઢવી સહિતનાએ આ કાર્ય અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પુલના નિર્માણથી પાણીના વહેણમાં અવરોધ ઊભો નહીં થાય તથા વાહનચાલકો-મુસાફરોને
પણ હાલાકી નહીં પડે. ગ્રામજનોએ પણ આ કામગીરીને બિરદાવવા સાથે આનંદની લાગણી અનુભવી હતી.