• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

પતરીવિધિમાં માનહાનિના મામલે થયેલા બે દાવા નખત્રાણા કોર્ટે ફગાવ્યા

ભુજ, તા. 10 : કચ્છની ધણિયાણી મા આશાપુરાના માતાના મઢ સ્થિત સ્થાનકે આસો નવરાત્રિ દરમ્યાન પતરીવિધિ કરવાના મામલે કચ્છના રાજ પરિવાર વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ દરમ્યાન થયેલા બદનક્ષીના બે જુદા-જુદા દાવા નખત્રાણાની અદાલતે કાઢી નાખવાનો આદેશ કર્યો હતો. રાજ પરિવારના સદ્ગત પ્રાગમલજી-ત્રીજા દ્વારા 20 કરોડનો અને નલિયાના જુવાનસિંહ હમીરજી જાડેજા દ્વારા કરાયેલા ચાર કરોડના બદનક્ષીના આ બે દાવા રદ કરવા સાથે રાજ પરિવારના ઉભય પક્ષ હનુવંતસિંહજી તથા માતાના મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી વિગેરે તરફે આ ચુકાદા અપાયા હતા. આ દાવાઓમાં પ્રાગમલજી-ત્રીજાનું અવસાન થતાં તેમનાં પત્ની પ્રીતિદેવી અને જુવાનસિંહ જાડેજાનું અવસાન થતાં તેમના પુત્ર ઈન્દ્રજિતસિંહ જાડેજા પક્ષકાર તરીકે જોડાયા હતા. વર્ષ-2009માં નવરાત્રિ દરમ્યાન પ્રાગમલજી-ત્રીજાએ પોતાના પ્રતિનિધિ તરીકે નલિયાના જુવાનસિંહ જાડેજાના હસ્તે પતરીવિધિ કરાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. મઢ જાગીરના અધ્યક્ષ અને મંદિરના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ તેમને આમ કરતાં અટકાવ્યા હતા. આ વિવાદને લઈને ઈતિહાસમાં પ્રથમવાર પતરીની વિધિ થઈ શકી ન હતી. બાદમાં પ્રાગમલજી-ત્રીજાએ યોગેન્દ્રસિંહજી સામે 20 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો, જ્યારે જુવાનસિંહે ચાર કરોડનો બદનક્ષીનો દાવો કર્યો હતો. બંને પક્ષની દલીલો અને રજૂઆતો સાંભળી, જરૂરી આધાર-પુરાવા તપાસી નખત્રાણાની પ્રિન્સિપાલ  સિનિયર સિવિલ અદાલતે આ બંને દાવા નકારી કાઢતો આદેશ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં યોગેન્દ્રસિંહ વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી જે.કે. ઠક્કર તથા હનુવંતસિંહજી વતી વકીલ તરીકે અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી યોગેશભાઈ ડી. ભંડારકર હાજર રહ્યા હતા. 

Panchang

dd