• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

વડાપ્રધાનની ચીનયાત્રા સૂચક

વિશ્વના અનેક દેશોની જેમ ભારતને પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તોર અને તરંગ ટેરિફનાં માધ્યમથી સતાવી રહ્યા છે. હવે તો તેઓ 25ને બદલે 50 ટકા ટેરિફની જાહેરાત કરી ચૂક્યા છે, ત્યારે ભારત માટે પડકાર વધી રહ્યા છે. અલબત્ત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ `નહીં ઝૂકીએ' તેવું જગતને જણાવી દીધું છે. છતાં સ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાહી છે. જગતની મહાસત્તાઓનાં વલણ આગામી દિવસોમાં ઘણા મહત્ત્વના રહેવાના છે. આ સ્થિતિમાં શાંઘાઈ સહયોગ સંગઠન (જઈઘ)ની બેઠકમાં ઉપસ્થિત રહેવાનો વડાપ્રધાન મોદીનો નિર્ણય ઘણા સંકેત જ નહીં પરંતુ અમેરિકાને સ્પષ્ટ સંદેશો આપનારો બની રહેશે. ભારત અને ચીન વચ્ચે વધેલું રાજનૈતિક અંતર, અવિશ્વાસની ખાઈમાં ઘટાડો થયો છે તેવું વાતાવરણ આ ચીન પ્રવાસની જાહેરાતથી ઊભું થશે. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની તદન વિચિત્ર અને પ્રશ્નાર્થો સર્જનારી ટેરિફનીતિનો જવાબ દેવા માટે ભારતે તૈયારી કરી રાખી છે, તેવું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. એક તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયા પહોંચ્યા છે. ટ્રમ્પના વિશેષ દૂત પણ ત્યાં છે, ત્યારે ટ્રમ્પની નીતિઓ સામે `નહીં ઝૂકવા'નો સંદેશો આપવો જરૂરી હતો. કારણ કે, ટેરિફ મામલે હવે પાણી માથાં પરથી જઈ રહ્યું છે. ભારત સામે જાણે ઈરાદાપૂર્વક કોઈ બાબતનો બદલો લઈ રહ્યા હોય તેવું વલણ ડોનાલ્ડ ટ્રમ્પે અપનાવ્યું છે.  ભારતે જો કે, વખતો વખત ટ્રમ્પની આ નીતિઓનો વિરોધ કર્યો છે અને એવું સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા જો શક્તિશાળી દેશ હોય તો ભારત પણ નબળો દેશ નથી. આ સામે અમેરિકાથી પીડિત ચીન ભારત સાથે સંબંધો સુધારવા માગે છે. અલબત્ત આ આવકાર્ય સ્થિતિ છે, પરંતુ ભારત માટે સકારાત્મક અભિગમ અને હિતકારી સ્થિતિ માટે ચીન સંવેદનશીલ નથી એ બાબતની અવગણના પણ કરવી જોઈએ નહીં. એક તરફ તે પોતાનાં હિત માટે ભારતનો સાથ ઈચ્છે છે, બીજી બાજુ ભારતની વિરુદ્ધ છમકલાં પણ કરતું રહે છે. પહેલગામમાં થયેલા આતંકી પ્રહાર પછી પાકિસ્તાનને સમર્થન કરવું, ઓપરેશન `િસંદૂર' દરમિયાન પાકિસ્તાનને પ્રત્યક્ષ કે પરોક્ષ સહાય કરવી સહિતની ઘટનાઓ તાજેતરની છે એટલે ભારતે પણ પૂર્ણ વિશ્વાસ ચીન પર મૂકવો કે કેમ? તે અગત્યનું છે. થોડા સમય પહેલાં જ શાંઘાઈ સહયોગ સંગઠનના રક્ષામંત્રીઓની બેઠકમાં પહેલગામ હુમલા પરનાં સંયુક્ત નિવેદન પર સંમતિ આપવાનો ઈન્કાર કર્યો ત્યારે ભારતે પણ તેના ઉપર હસ્તાક્ષર કરવાની ના કહી દીધી હતી. અરુણાચલપ્રદેશ અને કાશ્મીર પ્રત્યે ચીનનું વલણ તથા નિવેદનો સતત શંકાસ્પદ રહે છે. અમેરિકા સામેની રણનીતિના ભાગરૂપે ભારત ચીન સાથે હસ્તધૂનન કરે તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં. વડાપ્રધાન વ્યૂહાત્મક રીતે 31 ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે ચીન જઈ રહ્યા છે. વિશ્વની નજર રશિયા, ભારત અને ચીન ઉપર છે. આ સ્થિતિમાં ભારતની વિદેશનીતિ ચીન સાથે સંબંધ સુધારવાની પહેલ કરે તેમાં અન્ય અભિપ્રાય હોઈ શકે નહીં પરંતુ અત્યાર સુધી ચીનનું જે વલણ છે તે જોતાં ભારતે ચીન કે રશિયા ઉપર વધારે નિર્ભર રહેવાથી તો બચવું જ રહ્યું, સાથે જ એ વાતનો પણ ઈન્કાર થઈ શકે નહીં કે, ભારતની ક્ષમતાની અવગણના ચીન કરી શકતું નથી. 

Panchang

dd