ગાંધીધામ/ભુજ, તા. 10 : તાલુકાના
મીઠીરોહરમાં હોજમાં નાહવા ગયેલા અજયકુમાર રામપ્રયાગ દાસ (ઉ.વ. 45)નું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. કંડલામાં દરિયામાં
ડૂબી જવાથી વિશ્વજિતમંડલ સંતોષા યાદવની મૃત્યુ થયું હતું. બીજી તરફ માંડવી તાલુકાના
નાગરેચામાં રહેતા 49 વર્ષીય મહિલા
આનંદબા જગમાલજી જાડેજાએ એસિડ પી લેતાં તેનું સારવાર દરમ્યાન આજે મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મૂળ
બિહારના વતની હાલે પી.એલ. કંપનીમાં રહેતા અજયકુમાર કંપનીના પાણીના હોજમાં નાહવા માટે ગયા હતા. ગત તા.
8/8ના રાત્રિના 10.30 વાગ્યાના કોઈ પણ સમયે આ આધેડ
કોઈ કારણોસર પાણીમાં ગરકાવ થયા હતા. રામબાગ હોસ્પિટલના ડો. હેમલકુમાર પટેલે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે. અકસ્માત મૃત્યુનો વધુ
એક બનાવ કંડલામાં ઝીરો નંબર જેટી પાસે દીનદયાલ પોર્ટમાં બન્યો હતો. આ સ્થળે કામ કરી
રહેતા વિશ્વજિતમંડલ ગત તા. 8/8ના સવારે 4.30 વાગ્યાના અરસામાં કોઈ પણ પ્રકારે
દરિયાનાં પાણીમાં પડી ગયા બાદ ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે
પરિવારમાં ગમગીની પ્રસરી હતી. આ મામલે પોલીસે વધુ છાનબિન આરંભી છે. દરમ્યાન નાગરેચાના આનંદબા જાડેજાએ ગત તા.
3/8ના કોઈ અગમ્ય કારણોસર પોતાના
ઘરે એસિડ પી લેતાં પ્રથમ ગઢશીશા અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં
આજે સવારે તેમણે હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હોવાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં
જાહેર થતાં ગઢશીશા પોલીસને જાણ કરાઈ છે.