• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

ટ્રમ્પને મોદીનો સ્પષ્ટ સંદેશ આફત અવસર બનશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી સામે ભારત ઝૂકશે નહીં એવો સ્પષ્ટ સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધો છે, તેથી હવે વાટાઘાટ કે સોદાબાજીનો પ્રશ્ન નથી. ટ્રમ્પ જો અમેરિકાને ફરીથી `ગ્રેટ' બનાવવા માગતા હોય તો મોદી પણ ભારતને આર્થિક મહાસત્તા બનાવી રહ્યા છે. ભારત પણ `ગ્રેટ' - મહાન બની શકે એમ છે અને આ જ કારણસર ટ્રમ્પ ભારતના વિકાસને રોકવા માગે છે. સવાલ માત્ર `ટેરિફ'નો નથી. ટ્રમ્પે જ્યારે એમ કહ્યું કે, ભારતનું અર્થતંત્ર મૃત:પ્રાય છે, ત્યારે જ એમના પેટનો દુ:ખાવો અને દાનત હોઠ ઉપર આવી ગયા હતા. ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જાય અને શક્તિશાળી મહાસત્તા બની જાય એ અમેરિકા કેવી રીતે સાંખી શકે ? મોદીએ અત્યાર સુધી સંયમ જાળવ્યો હતો, પણ હવે ટ્રમ્પ બેફામ બન્યા છે ત્યારે યોગ્ય સંદેશ આપ્યો છે કે, ભારતના ખેડૂતો, પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગના લોકોનાં હિતના ભોગે અમેરિકાને ખુશ નહીં કરાય. મોદી વ્યક્તિગત - અર્થાત્ રાજકીય કિંમત ચૂકવવા પણ તૈયાર છે - આ જવાબ પછી હવે વાટાઘાટનો પ્રશ્ન નથી. અમેરિકામાં લાખો લોકોને રોજગારી આપવાનું ચૂંટણી વચન ટ્રમ્પે આપ્યું હતું, તેના અમલ માટે ભારત ભોગ શા માટે આપે? કૃષિ સુધારાના વિરોધમાં આંદોલનનું રાજકારણ આપણે જોયું છે. હવે અમેરિકાને કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ અપાય તો ભારતમાં રાજકીય અશાંતિ અને અરાજકતા જ થાય. આવી જ રીતે વિશ્વના દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ નંબરે છે, તો આપણી સહકારી સંસ્થાઓનાં હિત રક્ષાની પ્રથમ જવાબદારી છે. ઉપરાંત અમેરિકાનું નોનવેજ દૂધ ભારતને સ્વીકાર્ય બને જ નહીં. ટ્રમ્પ કહે છે કે, રશિયન ક્રૂડ તેલ ભારત ખરીદે છે તેની સામે વાંધો - વિરોધ છે. રશિયા ઉપર દબાણ કરીને યુક્રેન યુદ્ધ બંધ કરાવવું છે, પણ યુરોપ અને અન્ય દેશો પણ રશિયન તેલ ખરીદે છે અને વ્યાપાર પણ કરે છે. ભારતની જરૂરિયાત દૈનિક પચાસ લાખ બેરલ ખનિજ તેલની છે, તેમાંથી 36 ટકા પુરવઠો રશિયાનો છે. વર્ષ 2023થી આ પુરવઠો એકધારો જળવાયો છે. જો આ સ્રોત બંધ થાય તો વિશ્વબજારમાં ઊંચા ભાવે ખરીદી કરવી પડે અને પરિણામે દેશમાં પેટ્રોલ - ડીઝલના ભાવ વધારવા પડે. આપણા અર્થતંત્ર ઉપર વિપરિત અસર પડે. ઉપરાંત રશિયા સાથેના આપણા મૈત્રી સંબંધ છે, ત્યારે વ્યાપાર બંધ કરી શકાય નહીં. ટ્રમ્પને ખબર નથી કે ભારતના મોદી આફતને અવસરમાં પલટાવી શકે છે. ચીન અને રશિયાના પુતિન સાથે સંબંધ વધુ ગાઢ બનાવી રહ્યા છે અને પશ્ચિમ એશિયા, આફ્રિકા અને લેટીન અમેરિકાના દેશોમાં આપણો નિકાસ વ્યાપાર વધી રહ્યો છે. હવે મોદી ચીનની મુલાકાતે જનાર છે અને રશિયાના પ્રમુખ પુતિન ભારતના મહેમાન બનનારા છે ત્યાં સુધીમાં ટ્રમ્પની જાહેરાતોની અસરનો અંદાજ મળશે. 

Panchang

dd