નવી દિલ્હી, તા.10 : ઓપરેશન સિંદૂરમાં
ભારત સામે ખરાબ રીતે હારેલા પાકિસ્તાનના સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ આસીમ મુનીરે અણુ
હુમલાની પોકળ ધમકી આપી છે. અમેરિકાની ધરતી પર મુનીરે કહ્યું કે જો ભારત સાથે ભવિષ્યમાં
યુદ્ધ થયું અને તેમાં પાકિસ્તાનના અસ્તિત્વ પર ખતરો તોળાશે તો સમગ્ર ક્ષેત્રને પરમાણુ
યુદ્ધમાં ધકેલી દેશું. અમેરિકાના ટામ્પા શહેરમાં ઉદ્યોગપતિ અદનાન અસદ દ્વારા આયોજિત
રાત્રિભોજનમાં મુનીરે કહ્યું કે અમે એક પરમાણુ રાષ્ટ્ર છીએ. જો અમને એવું લાગશે કે
અમે ડૂબી રહ્યા છીએ તો અમે અરધી દૂનિયાને પણ અમારી સાથે લઈ ડૂબશું. સૂત્રોને ટાંકીને
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે મુનીરે આ દરમ્યાન ભારત દ્વારા રદ કરવામાં આવેલી
સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ભારતના આ એક નિર્ણયથી પચ્ચીસ કરોડ લોકો ભુખમરાના
શિકાર બની શકે છે. મુનીરે લુખ્ખી ધમકીના સૂરમાં કહ્યું કે અમે રાહ જોઈ રહ્યા છીએ કે
ભારત ક્યારે બંધ બનાવશે. ભારત જેવો બંધ બનાવશે કે અમે તેને 10 મિસાઈલ હુમલાથી તોડી પાડવાના
છીએ. તેણે એમ પણ કહ્યું કે સિંધુ નદી કાંઈ ભારતના લોકોની પારિવારિક સંપત્તિ નથી. ભારત
સાથે ચાર દિવસ સુધીના સંઘર્ષ બાદ મુનીરની આ બીજી અમેરિકા યાત્રા છે. પહેલી વખત ટ્રમ્પ
સાથે પણ મુલાકાત યોજાઈ હતી. ભારત સાથેના ચાર
દિવસની મડાગાંઠ પછી મુનીરની આ બીજી યુએસ મુલાકાત છે. તેઓ અગાઉના પ્રવાસે અમેરિકન રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ વખતે પાકિસ્તાન સેનાધ્યક્ષ ચીફે અમેરિકાના ટોચના રાજકીય
અને લશ્કરી નેતાઓને મળ્યા છે. મુનીરે વરિષ્ઠ રાજકીય અને લશ્કરી નેતૃત્વ તેમજ પાકિસ્તાની
વિદેશીઓ સાથે વાતચીત કરી હતી. ઉપરાંત, ટેમ્પામાં, મુનીરે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ના
વિદાય લઈ રહેલા કમાન્ડર જનરલ માઈકલ ઈ. કુરિલાના નિવૃત્તિ સમારોહ અને એડમિરલ બ્રેડ કૂપરના
કમાન્ડ સંભાળવાના પ્રસંગે આયોજિત પરિવતર્નન સમારોહમાં હાજરી આપી હતી. જૂન મહિનામાં
મુનીર પાંચ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભોજન સમારોહમાં હાજરી આપી હતી. સામાન્ય રીતે આ પ્રકારનું
સન્માન રાજ્યના વડા કે સરકારના વડાને આપવામાં આવે છે, તે બેઠકના
અંતે ટ્રમ્પે તેલ સોદા સહિત વિવિધ ક્ષેત્રોમાં અમેરિકા-પાકિસ્તાન સહયોગ વધારવાની જાહેરાત
કરી હતી.