• શુક્રવાર, 08 ઑગસ્ટ, 2025

બિહાર જેવી મતદારયાદી ઝુંબેશ આખા દેશમાં જરૂરી

કોઇ પણ લોકશાહીના પાયામાં નાગરિકોના મતાધિકારની ભૂમિકા હંમેશાં મહત્ત્વની બની રહે છે. ભારત જેવા મજબૂત લોકશાહી દેશમાં મતદારયાદીઓને સતત સુધારવાની કાર્યવાહી ભારે અનિવાર્ય છે. આમ તો ચૂંટણીપંચ મતદારયાદીઓને સુધારવાના મામલે સતત કાર્યરત રહે છે. આ માટે નવા મતદારો ઉમેરવા અથવા મૃત મતદારોનાં નામ યાદીમાંથી હટાવવાની આ કાર્યવાહી સમયાંતરે હાથ ધરાતી આવી છે, પણ તાજેતરના સમયમાં બિહારની મતદારયાદી સુધારવા હાથ ધરાઈ રહેલાં ખાસ અભિયાને રાજકીય વંટોળ સર્જ્યો છે. બિહારનો વિવાદ હજી વકરી રહ્યો છે ત્યાં પશ્ચિમ બંગાળની મતદારયાદીઓ તૈયાર કરવામાં ભારે લાપરવાહી સામે આવી રહી હોવાની હકીકતોએ ભારે ચિંતા જગાવી છે. એક તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ સામે આરોપોનો મોરચો ખોલીને ભારે ચકચાર જગાવી છે. ચૂંટણીપંચ પર મતદારયાદીઓમાં ગોટાળાના ગંભીર આરોપો કરીને તેમણે આખી ચૂંટણી પ્રક્રિયા સામે સવાલ ખડા કર્યા છે. તેમના આરોપોમાં સત્ય કેટલું તે સમજવાની કે તપાસની બાબત છે, પણ હાલે બિહારમાં મતદારયાદીઓ સુધારવાની ખાસ ઝુંબેશના વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળની યાદીઓ તૈયાર કરવામાં ખોટી રીતે નામો ઉમેરવાના મામલામાં ચાર મતદાર નોંધણી અધિકારીઓ સહિત પાંચ કર્મચારીને ફરજમોકૂફ કરાતાં આ મામલાની ગંભીરતા સામે આવી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપંચની આ કાર્યવાહીથી સ્પષ્ટ છે કે, મતદારયાદીઓને સુધારવાની કામગીરીમાં ગોટાળાની આશંકાને નકારી શકાય તેમ નથી. ખેર તો આ યાદીઓમાં સુધારા કરતી વેળાએ નિયમો અને પંચની સૂચનાઓની અવગણના થાય તો ચૂંટણીની પ્રક્રિયાની સામે સવાલ ખડા થઈ શકે તેમ છે. બાંગલાદેશી ઘૂસણખોરોનાં નામ મતદારયાદીઓમાં ગેરકાયદે સમાવવા માટે કુખ્યાત પશ્ચિમ બંગાળમાં મતબેંકોને મજબૂત કરવા કોઈ પણ હદે ગોટાળા કરાતા હોવાની છાપ છે. હાલત એવી છે કે, બિહાર બાદ હવે ચૂંટણીપંચ જો બંગાળની મતદારયાદીઓને સુધારવાની ખાસ ઝુંબેશ હાથ ધરે તો ભારે રાજકીય ઘમસાણ સર્જાઈ શકે છે. લોકશાહીની ગરિમાને જાળવવા મતદારયાદીઓની પવિત્રતાને પ્રસ્થાપિત કરવાની અનિવાર્યતા સ્વીકાર્યા વગર તેનો વિરોધ કરવાનું જે રીતે બિહારમાં સામે આવ્યું છે તેનું પુનરાવર્તન બંગાળમાં પણ થઈ શકે છે. આમ તો ચૂંટણીપંચ દરેક રાજ્યમાં મતદારયાદી સુધારવાની કાર્યવાહી સતત હાથ ધરે છે, પણ યાદીની બારીકાઈભરી સમીક્ષા ભાગ્યે જ હાથ ધરાય છે. આનો લાભ લઈને રાજકીય પક્ષો તેમના બોગસ મતદારોનાં નામો આ યાદીઓમાં ઉમેરીને ચૂંટણીને યેનકેન પ્રકારે જીતવાની વેતરણમાં હોવાનું બિહારમાં હાથ ધરાઈ રહેલી ઝુંબેશના પ્રથમ તારણોમાં સામે આવ્યું છે. ચૂંટણીપંચે માત્ર બિહાર કે બંગાળ નહીં દેશના તમામ રાજ્યોમાં આવી ઝુંબેશ હાથ ધરવાનો સત્તાવાર ઈરાદો જાહેર કરીને આ કાર્યવાહી સામેના વિપક્ષી રોષને ઠંડો પાડવો જોઈએ. 

Panchang

dd