સુખપર (તા. ભુજ), તા. 10 : સનાતન ધર્મમાં
મૃત્યુ પછી અમુક સમાજને બાદ કરીને મોટાભાગના હિંદુ સમાજમાં અંતિમ ક્રિયામાં સૌથી વધુ
સરળ અને સ્વિકૃત પધ્ધતિ એટલે મૃતદેહની અગ્નિસંસ્કાર વિધિ. કાળક્રમે અલગ અલગ કારણોસર
હિંદુ સમાજનો અમુક વર્ગ મૃતદેહના પગના અંગૂઠામાં પ્રતિકાત્મક અગ્નિ આપીને દાટવાની વિધિ
ચાલુ કરી. પરંતુ એ વિધિ માટે આવશ્યક વિશાળ જગ્યાનો અભાવ, એ જગ્યાનું વસ્તીથી બહુ દૂર હોવું, મૃતદેહને દાટવા ખુબ મહેનતપૂર્વક તાત્કાલિક ઉંડો ખાડો ખોદવો, વગડા જેવી ખુલ્લી જગ્યામાં મૃતદેહને હિંસક જનાવર નુકસાન ન કરે તેની ચિંતા,
એ જગ્યાની સફાઈ અને જાળવણી કરવી, મૃતદેહને દાટ્યા
પછી તે જગ્યાએ નાનકડું બાંધકામ કરીને પરિવારજનોને તેની નિયમિત માવજત કરવી. વગેરે અનેક
મુશ્કેલીઓ સાથે સમય પ્રમાણે આ વિધિ તર્કસંગત ન લાગતાં મોટાભાગનો સમાજ હવે વિચારતો થયો
છે કે પોતાના બાપદાદા સહિતના પુર્વજો જે રીતે અગ્નિસંસ્કાર કરતા તે જ પધ્ધતિ ફરીથી
અપનાવવાનો સમય આવી ગયો છે. આવું જ થયું છે
સુખપર ગામમાં જ્યાં તાજેતરમાં જ અરુણાબેન પ્રદીપ જોગી નામની યુવાન મહિલાનું અવસાન થતાં
ગામથી દુર વગડામાં તેને દાટવાની વિધિ કરવાને બદલે તે સમાજના સક્રિય કાર્યકર્તાઓનાં
સુચનને સ્વિકારીને મૃતકના પરિવારજનોએ તાત્કાલિક નિર્ણય લીધો કે અરુણાબેનના મૃતદેહનો
પણ અગ્નિસંસ્કાર કરવામાં આવે. સામાજિક સમરસતા માટે પ્રયત્નશીલ એવાં રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના એક મંદિર, એક તળાવ અને એક સ્મશાનના સુત્રને ચરિતાર્થ કરવા
સંઘના સ્વયંસેવકો પણ સતત કાર્યરત હોય છે ત્યારે જોગી સમાજના અગ્રણી ગાવિંદભાઈ જોગીનો
સંઘના કાર્યકર્તાઓને ફોન આવે છે કે એક મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવા માટે મૃતદેહને ગામનાં
હિંદુ સ્મશાનગૃહમાં લઈ જવો છે પણ અમે ઘણાં વર્ષોથી આ વિધિથી દુર થઈ ગયા હોવાથી અમને
માર્ગદર્શન આપો. સંઘના સ્વયંસેવકોએ
આ કામ સહજતાથી સંભાળ્યું, સ્મશાનગૃહનું
સંચાલન સંભાળતા કાર્યકર્તાઓએ શબવાહિની વાહન સહિતનો સહયોગ કર્યો અને ગામના અનુભવી કાર્યકર્તાઓ
સાથે રહીને લાકડાં ગોઠવવા સહિત સંપુર્ણ વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં સહયોગ કર્યો.
અલગ-અલગ બારથી પંદર ગામોમાંથી અંતિમયાત્રામાં જોડાયેલ જોગી સમાજના લોકોએ પણ પ્રમાણમાં
સાવ સરળ અને પધ્ધતિસરની અગ્નિસંસ્કાર વિધિ જોઈને સુખપર સ્મશાનમાં જ સંકલ્પ કર્યો કે
સ્થાનિક અનુભવી કાર્યકર્તાઓને સાથે રાખીને હવેથી અમારાં ગામમાં પણ મૃતદેહની અંતિમ વિધિ
આ પ્રમાણે જ થાય તેવા પ્રયાસો કરશું. તેવું સુખપરના રામજી વેલાણીની યાદીમાં જણાવાયું
છે. નોંધનીય છે કે કોરોનામાં અસંખ્ય મૃતદેહોના અગ્નિસંસ્કાર સાથે પ્રકાશમાં આવેલ મદનપુર
(સુખપર) ના સાર્વજાનિક હિંદુ સ્મશાનગૃહમાં આર્થિક નબળી સ્થિતિ ધરાવતા કોઈ પણ સમાજ કે
પરિવાર માટે અગ્નિસંસ્કાર વિધિની સુવિધા નિ?શુલ્ક ઉપલબ્ધ છે.