નવી દિલ્હી, તા.10 : એશિયા કપનો
પ્રારંભ નવમી સપ્ટેમ્બરથી યુએઈમાં થવાનો છે. આ વખતે એશિયા કપ ટી-20 સ્વરૂપમાં રમાશે. એશિયા કપ
અગાઉ ભારતની ચિંતા એ છે કે કપ્તાન સૂર્યકુમાર યાદવ હજુ સુધી ફિટ થયો નથી. તેણે ગયા
મહિને જર્મનીમાં સ્પોર્ટસ હર્નિયાની શત્રક્રિયા કરાવી હતી. આ પછીથી તે હાલ બેંગ્લુરુ
સ્થિત એનસીએમાં રીહેબ કરી રહ્યો છે. બીસીસીઆઈને આશા છે કે એશિયા કપ અગાઉ સૂર્યકુમાર
ફિટ થઇ જશે અને પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. જો સૂર્યકુમાર અનફિટ જાહેર થશે, તો કપ્તાનીના હાલ ત્રણ દાવેદાર છે, જેમાં ટેસ્ટ કપ્તાન શુભમન ગિલનું નામ સૌથી આગળ ચાલી રહ્યંy છે. તે ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતની ટી-20 ટીમની કપ્તાની કરી ચૂક્યો છે.
જો કે તે જુલાઇ 2024 બાદથી ભારત
તરફથી ટી-20 મેચ રમ્યો નથી. હાર્દિક પંડયા
પણ દોડમાં છે. તે અગાઉ ભારતનો ટી-20 કપ્તાન રહી ચૂક્યો છે. નબળી ફિટનેસને લીધે કોચ ગંભીરે પંડયાને
ખસેડીને સૂર્યકુમારને સુકાન સોંપ્યું હતું.
સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ટી-20માં સૂર્યકુમારની સંભવિત અનુપસ્થિતિમાં કપ્તાનપદનો દાવેદાર છે.
તેણે ગત આઇપીએલ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમની કપ્તાની કરી હતી અને હાલ તે ભારતની ટી-20 ટીમનો ઉપસુકાની છે. બીસીસીઆઇ
એશિયા કપની ટીમ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં જાહેર કરવાની છે.