• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

લુપ્ત થતી કળાઓને પ્રોત્સાહન પૂરું પાડવા નાબાર્ડ કટિબદ્ધ

ભુજ, તા. 10 : રાષ્ટ્રીય હાથશાળ દિવસ-2025 અંતર્ગત `સપનું જુઓ અને સાકાર કરો' થીમ હેઠળ નાબાર્ડ દ્વારા આયોજીત ગ્રામીણ ભારત મહોત્સવ ગુજરાત-2025 ઉજવણી હેતુ ભુજ હાટ ખાતે તા. 10થી 12 ઓગસ્ટ ત્રિ-દિવસીય રાજ્ય કક્ષાના (હેન્ડલુમ) હાથશાળ અને હસ્તકલા (હેન્ડીક્રાફટ) પ્રદર્શન-2025માં કચ્છના કારીગરોએ  પોતાની કળાની પ્રદર્શની યોજી હતી. નેશનલ એવોર્ડી કારીગરોને સન્માનપત્રથી નવાજાયા હતા. તેમજ કારીગરોને આર્ટીસન કાર્ડ તથા સહાય અપાઇ હતી. ધીરે ધીરે લુપ્ત થતી આ કળાને પ્રોત્સાહન આપવાના સહયોગીતાની ખાતરી આપી હતી તેમજ રાજ્ય કક્ષાની ઉજવણી આગામી સમયમાં પણ ભુજ ખાતે કરવાની જાહેરાત કરાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે  દીપ પ્રાગટય બાદ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. નાબાર્ડ, ગુજરાતના ચીફ મેનેજર (મુખ્ય પ્રબંધક) ભુપેશકુમાર સિંધલની મુખ્ય ઉપસ્થિતિમાં પાવર ગ્રિડ-ભુજ સબ સ્ટેશનના ચીફ જનરલ મેનેજર વસંત પ્રધાન, સરહદ ડેરીના અધ્યક્ષ વલમજી હુંબલ, કેડીસીસી બેન્કના અધ્યક્ષ દેવરાજ ગઢવી, ભુજ એરપોર્ટ ઓથોરિટી નિર્દેશક નવીનકુમાર સાગર, રોગાન આર્ટમાં પદ્મશ્રી પ્રાપ્ત કલાકાર અબ્દુલ ગફુર ખત્રી અતિથિવિશેષ રહ્યા હતા. - કચ્છના કારીગરો દ્વારા કૃતિ રચાય : આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક ભુપેશકુમાર સિંધલે જણાવ્યું હતું કે, નેશનલ હેન્ડલુમ ડે દિવસ તરીકેની ઉજવણી 2015થી ચેન્નઈમાં પ્રધાનમંત્રી મોદીજીના હસ્તે શરૂઆત કરાઈ હતી. જેમાં નાબાર્ડ પોતાની ભાગીદારી નીભાવી રહ્યું છે.  કચ્છના કારીગરો દ્વારા બનાવેલી કૃતિઓ જ રચાય તેમજ લુપ્ત થતી કળાને સાચવવા નાબાર્ડના સહયોગની ખાતરી તેમણે આપી હતી. આગામી સમયમાં પણ રાજ્ય કક્ષાએ નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી ભુજ ખાતે કરવાની જાહેરાત કરી હતી. તેમણે સ્વદેશી અપનાવવા પ્રણ લેવડાવ્યા હતા. ઘર ઘર તીરંગા - ઘર ઘર સ્વદેશીમાં યોગદાન આપવા જણાવ્યું હતું. - બેંક લોન સમાન નાબાર્ડની કામગીરી : ડીડીએમ નીરજકુમાર સિંહે સ્વાગત અભિવાદન કરતાં ઉપસ્થિત અતિથિ વિશેષોને પરિચય આપ્યો હતો તેમજ રુરલ ઈકોનોમીની બેંકલોન સમાન નાબાર્ડની કામગીરી અંગે માહિતી આપી હતી. કચ્છ ક્રાફ્ટને આગળ વધારવા પાંચ ઈન્સ્ટિટયૂટ કસબ, શ્રુજન, કલા રક્ષા, ખમીર તથા વીઆરટીઆઈના સંયોજનથી કાર્યરત કચ્છ ક્રાફ્ટ કલેક્ટીવ સંસ્થા, જીએમડીસી, અદાણી, ટાટા પાવર, વેલ્સ્પનની ભાગીદારી, ધોળાવીરા, બન્ની, દાહોદ, લખપત, રાપરના આર્ટીસનને આવકાર આપ્યો હતો. બસંતભાઈ પ્રધાને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કચ્છનો સમય એવો આવશે જ્યારે 2થી 3 લાખ મેગાવોટ વિદ્યુત એનર્જી કચ્છ ભારતને આપશે. વલમજી હુંબલે છેવાડાના લોકો સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવા બદલ નાબાર્ડની બે-ત્રણ વર્ષમાં કરેલી કામગીરીને બિરદાવી હતી.કેડીસીસીના અધ્યક્ષ દેવરાજભાઈ ગઢવીએ નાબાર્ડની સુવિધા મળે તે હેતુથી ગ્રુપ બનાવવા, નાબાર્ડથી જોડાઈને વ્યવસાયને આગળ વધારવા જણાવ્યું હતું. - કચ્છની કળામાં નાબાર્ડ પ્રાણ પૂરે છે : એરપોર્ટ ઓથોરીટી નવીનકુમાર સાગરે એરપોર્ટ પર કલાકૃતિને ફ્રેમ ડિસપ્લે કરવાની જાહેરાત કરી હતી. રોગાન આર્ટિસ્ટ અબ્દુલ ગફુર ખત્રીએ જણાવ્યું હતું કે, કચ્છની કળામાં પ્રાણ પુરવાના પ્રયાસોમાં સૌથી અવ્વલ નાબાર્ડ છે. - એવોર્ડ વિજેતાને સર્ટિફિકેટનું વિતરણ : આ અવસરે એવોર્ડ વિજેતા કારીગરોને સર્ટિફિકેટ વિતરણ કરાયું હતું. મડવર્ક માટે કુંભાર રેહાના દાઉદ્યભાઈ, એથલિક વર્ક માટે કાર્તિક ચૌહાણ, પોટરી એન્ડ ક્લે ક્રાફટમાં કુંભાર આમદ રમજુ, કોપર કોટેડ બેલમાં રજાક સાલેમામદ લુહાર, લેધર ક્રાફટમાં આંચલકુમાર પાધુભાઈ બિજલાણી, કામણગીરી આર્ટમાં હસમુખ મચ્છર, વુડ ક્રાફટમાં જયમલ માયા મારવાડા, હેન્ડલુમમાં મેઘજી હરજી વણકર, ટાઈ એન્ડ ડાઈ નસરીનબેન ફેયાજ મામદ ખત્રી, અજરખ બ્લોક પ્રિન્ટમાં ઔરંગઝેબ હાજી અબ્દુલરઝાક ખત્રી, કલારક્ષા પ્રો.  કું. લિ.ના ડાયરેકટર તારાબેન પ્રકાશભાઈ ભનાણી, મશરૂ વિવિંગમાં ભોજરાજ દામજીભાઈ ધોરિયા તેમજ રોગન આર્ટમાં અબ્દુલગફુર ખત્રીના પુત્ર સુલેમાનભાઈ ખત્રીનું સર્ટિફિકેટ આપી સન્માન કરાયું હતું. ખત્રી તન્વીરાબાનુ તથા ગજરા ખુશીને આર્ટિસન કાર્ડ તથા લુહાર રજાકને બે લાખની સહાય અપાઈ હતી. નાબાર્ડના કુણાલ ત્રિવેદી, મનીષ રાજપૂરોહિત, મિતેશ ગામિત, દાદુજી સોઢા, આશુતોષ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. ચોબારીના રામજીભાઈ મેરિયાનું સન્માન કરાયું હતું. સંચાલન કપીલભાઈ ગોસ્વામી તથા આભારવિધિ નીરજકુમાર સિંહે કરી હતી. 

Panchang

dd