ભચાઉ, તા. 10 : સમય અને પરિસ્થિતિના કારણે
દિવ્યાંગ બનેલા માનવીઓનું કલ્યાણ કરવું એ આપણું કર્તવ્ય છે. અંગો વિનાનું જીવન ખૂબ મુશ્કેલ બની જાય છે. સ્વસ્થ શરીર ધરાવતા લોકોએ ઈશ્વરનો આભાર માનવો જોઈએ.
નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા વિકલાંગોને આપવામાં આવેલી આધુનિક સાધનોની સહાય
થકી તેઓ આત્મનિર્ભર બનશે. તેમ કહી સમાજના દુ:ખીજનો પ્રત્યે સેવા ભાવના કેળવવી જોઈએ
એમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભચાઉ
ખાતે વિકલાંગોને સાધન સહાય આપતા જણાવ્યું હતું. ભચાઉ ખાતે વિકલાંગ સાધન સહાય
વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ માતા-પિતા માટે પડકારરૂપ બની છે. દિવ્યાંગજનો સમાજનું અભિન્ન અંગ હોવાની લાગણી તેમણે
વ્યક્ત કરી હતી. તેમણે જેને જરૂરિયાત મંદ માટે દયાભાવ પ્રગટ ન થાય તે મનુષ્ય
પથ્થર સમાન છે તેવું કહી મનુષ્ય અવતારમાં પરોપકાર માટે સત્કાર્ય કરીને શ્રેષ્ઠ સમાજનું
નિર્માણ કરવા રાજ્યપાલે આહવાન કર્યું હતું.
નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાનાં કાર્યને રાજ્યપાલે
આવકારીને કહ્યું હતું કે, આ પ્રયાસોથી દિવ્યાંગોમાં એક નવો ઉત્સાહ
ઊભો થશે, માનસિક રીતે મજબૂત બનશે અને બીજા નાગરિકોની જેમ
સક્ષમ બનશે. દિવ્ગાંગજનોને મુખ્ય ધારામાં લાવવા એ સૌનું
સામાજિક ઉતરદાયિત્વ હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રાકૃતિક ખેતી અંગેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ રાષ્ટ્રીય મિશન બની ગયું છે. તેમણે માનવજીવોનાં કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
આ માટે રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવી લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા હોવાનું
તેમણે કહ્યું હતું. કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોએ રજૂ કરેલાં સ્વાગત ગીતની પ્રસ્તુતિને મહેમાનોએ બિરદાવી હતી. નવજીવન વિકલાંગ સેવાશ્રય
સંસ્થાના સંસ્થાપક વિશાલભાઈ જોશીએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન સંસ્થાનાં કાર્યો વિશે
જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 32 વર્ષ પહેલાં સ્થાપિત આ સંસ્થાનું બીજ આજે કચ્છ અને સૌરાષ્ટ્રના
દિવ્યાંગજનનાં કલ્યાણ માટેનું વટવૃક્ષ બન્યું છે. દિવ્યાંગજનોને સક્ષમ બનાવવા માટે
સંસ્થા અવિરત સેવાકાર્યો કરતી રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ વેળાએ રાપરના
ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા,
સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ જૈન,
સામાજિક કાર્યકર્તા રૂદ્રરાજાસિંહ
મહારાજ, પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂત રતિલાલ શેઠિયા,
કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી
ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, નાયબ કલેક્ટર બી.એચ.ઝાલા, દાતાઓ, દિવ્યાંગજનો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે શાત્રી નરેન્દ્રભાઈ
દવેના મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. આરંભમાં સંસ્થાના
મુંબઈ સ્થિત ઓસવાળ સમાજના તબીબ ડો. મનસુખ જૈને સ્વાગત પ્રવચન કર્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના
આર્થિક સહયોગથી અને આર્ટીફિશિયલ લિમ્બ મેન્યુફેકચરિંગ કોર્પોરેશનના તકનિકી સહયોગથી 50 લાખના ખર્ચે સાધનોનું વિતરણ કરાયું હતું. ભચાઉના ચિકિત્સક રૂદ્રાતજી, રતિલાલ પટેલ, સંસ્થાના પ્રમુખ ડો. મનસુખ જૈન,
દાતા રતનશી પ્રેમજી નીસરનું
સંસ્થાના કાર્યકરોએ સન્માન કર્યું હતું. નગરપાલિકા
પ્રમુખ પેથાભાઈ, વી.આર. જાડેજા, સંસ્થાના
શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, કાર્યકરો, દાતાઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ
એસઆરપી ગ્રુપના જવાનોએ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતથી સલામી આપી હતી. પૂર્વ કચ્છના વિભાગીય
પોલીસવડા કચેરીના પ્લાટૂન કમાન્ડરે સલામી આપી
હતી. - સારી રેન્જ
ધરાવતી ટ્રાઈસિકલ આજીવિકા માટે સહાયક બનશે : ભચાઉ, તા. 10 : આ કાર્યક્રમ દરમ્યાન 100 કરતા વધુ દિવ્યાંગજનને ઈલેક્ટ્રિક ટ્રાઈસિકલ, મેન્યુઅલ ટ્રાઈસિકલ, વ્હીલચેર,
કેલિપર, સ્માર્ટફોન સહિતના જીવન જરૂરિયાતનાં સાધનોનું
વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિતરણ કરવામાં આવેલી ટ્રાઈસિકલ અંદાજે
40 કિલોમીટરની રેન્જ ધરાવે છે, જે દિવ્યાંગજનોને `આજીવિકા અને આત્મનિર્ભરતા' માટે સહાયક સાબિત થશે. નવજીવન વિકલાંગ સેવાશ્રયની
વર્ષ 1991થી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં
દિવ્યાંગજનો, વંચિત બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ, પુનર્વસન, આરોગ્ય, કૌશલ્ય વિકાસ,
લગ્ન, રોજગાર અને સશક્તિકરણનાં ક્ષેત્રે સંસ્થા સેવા આપી રહી છે.