ઉદય અંતાણી અને રશ્મિન પંડયા દ્વારા : અંજાર,
તા. 10 : ઐતિહાસિક શહેર તરીકે અંજાર શહેર આગવી ઓળખ ધરાવે છે. પ્રાચીન ગુજરાતી ફિલ્મો અને ગીતોમાં પણ અંજારને સ્થાન મળ્યું છે. માત્ર કચ્છ
જ નહીં, પરંતુ દેશભરના પ્રવાસીઓ
વેકેશનમાં કચ્છના પ્રવાસનું આયોજન ગોઠવે
ત્યારે અંજારની જેસલ-તોરલ સમાધિનું નામ યાદીમાં અવ્વલ ક્રમે હોય જ. રણ, દરિયો અને ડુંગરની કુદરતી
સંપદા ધરાવતા કચ્છમાં પ્રવાસન સોળે કલાએ ખીલ્યું
છે અને તેના થકી કચ્છ વિશ્વના નકશા ઉપર ઝળક્યું છે અને સરકારે વિવિધ સુવિધાઓ પણ વિકસાવી
છે. અંજારની જેસલ-તોરલ સમાધિ ખાતે પણ પ્રવાસનધામ
યોજના તળે કરોડોના ખર્ચે સુવિધાઓ તો વિકસાવવામાં આવી, પણ આજે ત્રણ - ત્રણ વર્ષના વહાણા વીતી
ગયાં, પણ આ સુવિધા કાર્યરત કરવામાં તંત્ર ઊણું ઊતર્યું છે. તંત્રની ઢીલી નીતિનાં કારણે માત્ર વેકેશનમાં જ નહીં, પરંતુ
બારેમાસ દર્શને આવતા પ્રવાસીઓને ભારે અસુવિધાઓનો સામનો કરવો પડે છે. આજે તંત્રે કરોડોના ખર્ચે
ઊભી કરાયેલી સુવિધા ખંડેર બનવા તરફ
જઈ રહી છે, જે
બાબત વહીવટી તંત્રની જર્જરિત કામગીરીની ચાડી ખાતી હોવાનું સમજાય છે. - પ્રવાસનધામ અંતર્ગત ઊભી કરાયેલી
સુવિધા : ઐતિહાસિક શહેરને પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત જેસલ-તોરલ સમાધિ ખાતે 2.74 કરોડના ખર્ચે વિશ્રામગૃહ,
બેઠક વ્યવસ્થા સહિતની આધુનિક
સુવિધા વિકસાવવા સાથેની વ્યવસ્થા ત્રણ વર્ષ
પૂર્વે વિકસાવવામાં આવી છે. વિશાળ વિસ્તારમાં વિકસાવાયેલી આ સુવિધા પૈકી મંદિરની સામે
સૂડી, ચપ્પુ, તલવાર સહિતના કેબિનમાં રહીને
વ્યવસાય કરતા વેપારીઓને પાકી દુકાનો ફાળવવાના હેતુથી ગેસ્ટહાઉસ પરિસરમાં દુકાનો પણ
બનાવવામાં આવી છે તેમજ વિશાળ પરિસરમાં વાહનો પાર્ક થઈ શકે તેવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જો આ સુવિધાઓનો
ઉપયોગ કરવામાં આવે, તો જેસલ-તોરલ સમાધિએ દર્શનાર્થે આવતા પ્રવાસીઓને
અનેક સારી સુવિધાઓનો લાભ મળી શકે અને ઐતિહાસિક શહેરનાં પ્રવાસનને પણ બમણો વેગ મળે.
- સમાધિ ઉપરાંત અન્ય પ્રસિદ્ધ
યાત્રાધામો : જેસલ-તોરલ
સમાધિસ્થળ ઉપરાંત આ જ સ્થળે શીતળા માતાજીનું
મંદિર, અંજારના
ધણી અજેપાળનું મંદિર, મહેશ્વરી સંપ્રદાયનું બગથડા તીર્થધામ સહિતના પ્રખ્યાત ધાર્મિકસ્થળો પણ આવેલા છે, પરંતુ અહીં ઊભી કરાયેલી સુવિધા બિનઉપયોગી
પડી રહેતી હોવાનાં કારણે અહીં વાહનો રાખવાની તો સુવિધા નથી, ઊભવા
માટે પણ મહામુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વેકેશનના સમયમાં તો સાંકડી જગ્યામાં સમાધિસ્થળ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો
સામનો કરવો પડતો હોવાનું સ્થાનિકોએ રોષની લાગણી સાથે જણાવ્યું હતું. - દુકાનો ફાળવવા અંગે કોઈ નિર્ણય
નહીં : અંજાર શહેરની ઐતિહાસિક
ઓળખમાં સૂડી, ચપ્પુ, તલવાર સહિતની બનાવટનો પરંપરાગત વ્યવસાય પણ છે. જેસલ-તોરલ સમાધિ મંદિરની આસપાસ કેબિનમાં બેસીને શહેરના બે દાયકા જૂના વ્યવસાયની પરંપરાને વેપારીઓ જાળવી રહ્યા છે. આ વેપારીઓને પાકી દુકાન મળે તે માટે અહીં
દુકાનો બનાવવામાં આવી અને વ્યાજબી ભાડા સાથે દુકાનો ફાળવવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં
આવી. આજે ત્રણ વર્ષ થયાં દુકાનો ફાળવવા અંગે
પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જો આ સ્થળે બનાવાયેલી દુકાનો ફાળવવામાં આવે, તો રસ્તો પણ પહોળો બને, વેપારીઓ બે સદી જૂના પરંપરાગત વ્યવસાયને વધુ આગળ ધપાવી શકે અને કરોડોના ખર્ચે
પ્રવાસન માટે વિકસાવાયેલી સુવિધા પણ નજરે પડે. - ગેસ્ટહાઉસ પરિસર ધૂળ ખાતી હાલતમાં : જેસલ-તોરલ સમાધિ ખાતે 2.74 કરોડના ખર્ચે વિકસાવાયેલી ગેસ્ટહાઉસ, દુકાનો સહિતની સુવિધા ત્રણ વર્ષથી કાર્યરત જ
ન કરાતાં હાલ તો કરોડોના ખર્ચે ઊભી કરાયેલી આ સુવિધા ધૂળ ફાકતી હાલતમાં છે. આ સ્થળે
કચ્છમિત્રની ટીમે મુલાકાત લીધી, ત્યારે પરિસરમાં ધૂળ અને કચરાના ઢગલા સિવાય કાંઈ નજરે પડયું ન હતું. બંધ હાલતમાં
પણ સંબંધિત તંત્ર દ્વારા કોઈ દરકાર જ કરાતી ન હોવાની સ્થિતિ ઊડીને આંખે વળગી હતી. પરિસરમાં પ્રવેશતાં જ અનેક વાહનો પાર્ક
થઈ શકે તેના બદલે ત્યાં ગૌવંશ જણાયા હતા. ગેસ્ટહાઉસમાં
બનાવાયેલા રૂમોમાં નજર કરતા દીવાલોમાં તિરાડ નજરે પડી હતી. ત્રણ વર્ષમાં પડેલી તિરાડો
નબળાં કામની ચાડી ખાતી હતી. અન્ય એક નાના રૂમમાં
ટાઈલ્સ ઉપર થૂંકની પીચકારીઓ, બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ, નાસ્તાનાં પડીકાં સહિતના કચરાથી ઊકરડા જેવી સ્થિતિ નજરે પડી હતી. આ બંધ પડેલાં સંકુલનો ગેરકાયદે ઉપયોગ કરાતો હોવાનો
આક્ષેપ જાણકાર વર્તુળો ખેદ સાથે કરી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર પ્રવાસન નિગમ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને બ્રાન્ડ
એમ્બેસેડર બનાવી પ્રવાસનને વેગ આપવાના વ્યાપક પ્રયાસો કરી રહ્યુyં છે અને કુછ દિન તો ગુજરીએ ગુજરાત મેં, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જેવા વાક્યો
થકી કચ્છનું પ્રવાસન વિશ્વ સ્તરે ચમક્યું છે,
પરંતુ ત્રણ વર્ષથી કાર્યરત ન
થયેલી સુવિધા કચ્છનાં પ્રવાસનની સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. જાણકારો રાજકીય
હુંસાતુંસીમાં આ સંકુલ કાર્યરત થઈ ન શક્યું
હોવાનું કહી રહ્યા છે, પરંતુ શહેરના અને ઐતિહાસિક સ્થળોના વિકાસને વેગ આપવા આ ખૂટતી કડીની પૂર્તતા
કરવા ત્વરિત કાર્યવાહી અત્યંત જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે. - પરિસર બન્યા
બાદ સાતમ-આઠમના મેળાની પરંપરા લુપ્ત થઈ ગઈ : અંજાર, તા. 10 : ઐતિહાસિક જેસલ-તોરલ સમાધિ સ્થળે પ્રવાસન નિગમ દ્વારા ગેસ્ટહાઉસ
અને કોમ્પ્લેક્સ બનાવાયું, જે સ્થળ ત્રણ
વર્ષથી બંધ હાલતમાં છે. આ સુવિધા તો હજુ સુધી
વિકસી નથી, પરંતુ તેનાં કારણે ભુજ બાદ અંજારની પરંપરાગત
મેળા સંસ્કૃતિ વિલુપ્ત થઈ ગઈ અને તેને પુન: ધમધમતી કરવા તંત્રવાહકોએ કોઈ પ્રયાસ સુદ્ધાં ન કર્યા હોવાનો ખેદ જાણકારો
વ્યક્ત કરી રહ્યા છે. સાતમ-આઠમના તહેવાર નજીક આવે એટલે પરંપરાગત ભુજ અને અંજારના મેળામાં મહાલવા લોકો આવતા. જેસલ-તોરલની
સમાધિ ખાતે બે દિવસ સુધી યોજાતા આ મેળામાં
અંજારની પરંપરાગત સંસ્કૃતિ ઉજાગર થતી હતી. સવારના અરસામાં અંજાર તાલુકાના ગામડાનાં
લોકો પરંપરાગત વત્રો પરિધાન કરીને મેળે આવતા, ત્યારે કચ્છની સંસ્કૃતિનો માહોલ ઊભો થતો હતો. સાંજના અરસામાં અંજાર શહેર ઉપરાંત ગાંધીધામથી પણ આ મેળો માણવા લોકો
અહીં આવતા હતા. નગરપાલિકા દ્વારા સ્ટોલ ફાળવવામાં આવતા હતા, જેના
થકી પાલિકાને આવક થતી હતી, પરંતુ આ સ્થળે પ્રવાસનની સુવિધા વિકસાવવામાં આવતાં પરંપરાગત મેળો બંધ
થઈ ગયો હતો. આ મેળા સંસ્કૃતિને પુન:
ધબકતી કરવા કોઈ પ્રયાસ ન થયા. હાલ ટાઉનહોલમાં
ખાનગી રીતે મેળાનું આયોજન કરાય છે અને પૈસા
ખર્ચી જવું પડે છે. આ ખાનગી મેળો હોય ત્યાં સુધી બાળકો માટે રમતગમત માટેનું મેદાન પણ છીનવાઈ જાય છે.