ભુજ, તા. 10 : કચ્છમાં નશાખોરી વ્યાપક બની
છે. હજુ ત્રણ-ચાર દિવસ પૂર્વે જ મુંદરામાં કુરિયર મારફત મગાવાયેલા ગાંજાના જથ્થા સાથે
એક શખ્સ પકડાયો હતો ત્યાં ફરી ગઈકાલે આ જ રીતે કુરિયરથી આવેલા ગાંજાની ડિલિવરી લઈને
આવેલા એક શખ્સને 5.340 કિ.ગ્રામ
ગાંજાના જથ્થા સાથે દબોચી લેવાયો છે. ગાંજો આપનાર અને લેનારનાં નામ ખુલ્યાં છે. આ અંગે
એસઓજીએ જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે તેમની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી
ત્યારે બાતમીના આધારે પાવાપુરી ચાર રસ્તા પાસેથી આરોપી મીઠુકમાર ખ્યાલ રાય (યાદવ), (રહે. મીઠીરોહર, તા. ગાંધીધમ,
મૂળ બિહાર)ને માદક પદાર્થ ગાંજો 5.340 કિ.ગ્રા. કિં. રૂા. 53,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
હતો. તેની પાસેથી બે મોબાઈલ કિં. રૂા. 8,500 અને રોકડા રૂા. 605નો પણ મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ ગાંજા અંગે આરોપી મીઠુકુમારની
પૂછતાછ કરતાં બે દિવસ પહેલાં તેનો મિત્ર નવલેશકુમાર ઉર્ફે સંતોષકુમાર યાદવ (મૂળ રહે.
બિહાર, હાલે કાર્ગો ઝૂંપડણટ્ટી, ગાંધીધામ)એ જણાવ્યું કે તેનું ગાંજાનું પાર્સલ મુંદરામાં કુરિયર ઓફિસમાં આવ્યું
છે. તે મેળવીને તેના મિત્ર દીપકકુમાર (રહે. કાર્ગો ઝૂંપડપટ્ટી, ગાંધીધામ)ને આપી દેવા કહ્યું હતું. આ ડિલિવરી માટે તેને પાંચ હજાર આપશે તેવું
જણાવ્યું હતું. આમ મુંદરા પોલીસ મથકે ઝડપાયેલા મીઠુકુમાર ઉપરાંત હાજર ન મળેલા નવલેશકુમાર
તથા દીપકકુમાર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરાયો છે. આ કામગીરીમાં મુંદરા
પી.આઈ. આર.જે. ઠુમ્મર, એસઓજીના કર્મચારીઓ એ.એસ.આઈ. સિદ્ધરાજસિંહ
ઝાલા, રજાકભાઈ સોતા, હે.કો. ચેતનસિંહ જાડેજા,
પૃથ્વીરાજસિંહ વાઘેલા, ગોપાલભાઈ ગઢવી, ભાવેશભાઈ ચૌધરી તથા કોન્સ. દિનેશભાઈ ચૌધરી જોડાયા હતા.