• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

ઉમૈયામાં 100 ફૂટ ઊંડા બોરમાં પડેલા કિશોરનો ચમત્કારિક બચાવ

રાપર, તા. 10 : તાલુકાના ઉમૈયામાં ખુલ્લા 100 ફૂટ ઊંડા બોરવેલની અંદર 10 વર્ષનો કિશોર પડી ગયો હતો. સ્થાનિક લોકોએ તુરંત આ કિશોરને બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા અને બોરવેલમાં રસ્સો   નાખી બચાવની કામગીરી કરી હતી. ત્વરિત કાર્યવાહીથી બાળકનો  ચમત્કારિક બચાવ થયો હતો. અસ્થિભંગ  સહિતની ઈજાઓ પહોંચતાં સારવાર માટે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવના પગલે ગામમાં ભારે દોડધામ થઈ પડી હતી.  બાળક  બહાર આવી જતાં લોકોએ રાહત અનુભવી હતી.  કચ્છમાં ખુલ્લા બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ વધી રહી છે, થોડા સમય પહેલાં પશ્ચિમ કચ્છમાં પણ એક ઘટના બની હતી અને ત્રણ દિવસ સતત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું, તેમ છતાં તે ઘટનામાં જીવ બચાવી શક્યો ન હતો. આવી અનેક ઘટનાઓ પછી પણ વહીવટી તંત્ર લેતું નથી, પરિણામે પૂરા બોરવેલમાં બાળકો પડી રહ્યા છે. રાપર તાલુકાના ઉમૈયામાં આ ઘટના સાંજના અરસામાં બની હતી.  10 વર્ષનો રાકેશ મહેશ કોલી તેના મિત્રો સાથે રમતો હતો. આ દરમિયાન વાડી વિસ્તારમાં પથ્થરથી ઢાંકેલા બોરવેલને કુતૂહલતાથી જોવા ગયો હતો. આ દરમિયાન અંદર પડી ગયો હતો. ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. તેના મિત્રોએ તાત્કાલિક  ગ્રામજનોને  જાણ કરી હતી. જાણ થતાંની સાથે જ બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને મોટા બે રસ્સા બોરમાં નાખ્યા હતા. બોરમાં બચાવકાર્ય દરમિયાન તેની સાથે સતત વાતચીત કરાતી હતી. રાકેશે રસ્સો પકડી લીધો હતો, તેને સતત હિંમત આપવામાં આવતી હતી અને રસ્સો પકડી રાખવા અંગે સતત માર્ગદર્શન અપાતું હતું. અડધાથી એક કલાકના સમયમાં બચાવ કામગીરી પૂરી કરાતાં હેમખેમ કિશોર બહાર આવી ગયો હતો. ગ્રામજનોની ત્વરિત કામગીરીથી કિશોરનો ચમત્કારિક બચાવ થયો હતો અને પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો. હતપ્રભ બની ગયેલા કિશોરને સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાયો હતો. તપાસ દરમિયાન શરીરમાં અસ્થિભંગ સહિતની નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. સદ્ભાગ્યે કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી. - બાળકોને બોરવેલથી દૂર રહેવા ગ્રામજનોની અપીલ  : રાપર, તા. 10 : આ ઘટના પછી સ્થાનિક લોકોએ ખુલ્લા બોરવેલથી બાળકોને દૂર રહેવા માટે કહ્યું હતું. ખરેખર તો વહીવટી તંત્ર દ્વારા સર્વે હાથ ધરાવો જોઈએ અને જેટલા ખુલ્લા બોરવેલ છે, તેમને બંધ કરવા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવી જરૂરી છે. આવી અનેક ઘટનાઓ ઘટી છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાતાં નથી. ઉમૈયાની આ ઘટનામાં સદનસીબે ગ્રામજનોની જાગૃતિ અને ભારે મહેનતથી બોરવેલમાં પડેલા 10 વર્ષના આ કિશોરને બચાવી શકાયો છે.  

Panchang

dd