નવી દિલ્હી,તા.10 : કેન્દ્રીય
માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ શૈક્ષણિક સત્ર 2026-27થી ધોરણ નવમાં પુસ્તક સાથે મુલ્યાંકન પરીક્ષાના પ્રસ્તાવને મંજૂરી
આપી હતી. આ નિર્ણય પ્રાયોગિક ધોરણે અભ્યાસ બાદ લેવામાં આવ્યો હતો. આ અભ્યાસ દરમ્યાન
શિક્ષકોનું પણ પરીક્ષામાં પાઠયપુસ્તકની મદદ લેવાના વિચારને સમર્થન મળ્યું હતું. ખુલ્લાં
પુસ્તક સાથે પરીક્ષા ધોરણ નવના દરેક સત્રના ત્રણ પેન-પેપર પરીક્ષા માટે લાગુ પડશે.
આ મુલ્યાંકનમાં મુખ્ય રીતે ભાષા, ગણિત,
વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થીઓને પરીક્ષા
દરમ્યાન જવાબ લખવા માટે પાઠયપુસ્તક અને નોટ્સ જેવા સ્રોતનો ઉપયોગ કરવાની છૂટ મળશે.
પરીક્ષામાં સવાલોને એવી રીતે તૈયાર કરવામાં આવશે જેથી તે ગોખણપટ્ટીની જગ્યાએ વિશ્લેષણ,
અમલ અને સમજણપૂર્વક વિચાર પર આધારિત હોય. ઉદાહરણ તરીકે પ્રશ્નોમાં કેસ
સ્ટડી, ડેટા વિશ્લેષણ અથવા વાસ્તવિક જીવનની સમસ્યાઓનું સમાધાન
સામેલ હોઈ શકે છે. પુસ્તક સાથે પરીક્ષા આપવાનો
વિચાર શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ
માળખું (એનસીએફએસઈ)-2023ના અનુરૂપ છે જે રાષ્ટ્રીય
શિક્ષણ નીતિ (એનઈપી)-2020 પર આધારિત
છે. જો ધોરણ-9માં આ પ્રયોગ સફળ થશે તો સીબીએસઈ તેને ધોરણ-10, 11 અને 12માં પણ લાગુ કરવાનો વિચાર કરશે.