• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

વિરાટ-રોહિતની વન-ડે કારકિર્દી અંત ભણી ?

નવી દિલ્હી, તા. 10 : ટી-20 અને ટેસ્ટ ફોર્મેટને બાયબાય કરી દેનારા પૂર્વ કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલી સામે વન-ડે ટીમમાં સામેલ થવા માટે હવે એક નવો પડકાર છે. આ બંને સ્ટાર ખેલાડી વર્ષ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમી ક્રિકેટ જગત છોડવા માગે છે. હાલ તો આ બંને ખેલાડીની વન-ડે ટીમમાં પણ જગ્યા નિશ્ચિત નથી, કારણ કે, કોચ ગૌતમ ગંભીર અને બીસીસીઆઇએ કોઇ પણ ખેલાડી માટે વાપસીની નવી શરતો રાખી છે, જે અનુસાર દરેક ખેલાડી માટે ઘરેલુ ક્રિકેટ રમવું ફરિજયાત છે, તેમાં ફોર્મ અને ફિટનેસ સાબિત કરનાર ખેલાડી માટે જ રાષ્ટ્રીય ટીમના દરવાજા ખૂલશે. આમ તો વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડમાં બેટિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, પણ અમુક અહેવાલમાં એવો દાવો પણ કરાયો છે કે, બીસીસીઆઇ 2027ના વર્લ્ડકપ માટે વિરાટ અને રોહિતની વિચારણા કરતી નથી તથા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેની શ્રેણી આ બંને દિગ્ગજ ખેલાડીઓની અંતિમ હશે. બંને એ શ્રેણી બાદ `િનવૃત્તિ' જાહેર કરી શકે છે. ગત રણજી સિઝનમાં બીસીસીઆઇના આ નિયમને લીધે રોહિત શર્મા રણજી ટ્રોફી મેચ રમ્યો હતો. હવે જો વન-ડે ટીમમાં વાપસી કરવી હશે, તો રોહિત-વિરાટે વિજય હઝારે ટ્રોફીમાં ભાગ લેવો પડશે. ટીમ ઇન્ડિયાની આગામી વન-ડે શ્રેણી ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે છે. જો રોહિત અને વિરાટ વિજય હઝારે ટ્રોફીમાં નહીં રમે તો તેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસની વન-ડે ટીમમાં જગ્યા નહીં મળે તેવા અહેવાલ છે. 2027 વન-ડે વર્લ્ડકપ સમયે રોહિતની ઉંમર 40 અને વિરાટની વય 38 હશે. 

Panchang

dd