• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

ટ્રમ્પને મોદીનો જવાબ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ટેરિફ આતંક શરૂ કરીને ભારતીય અર્થતંત્ર `મુડદાલ' - મૃત હોવાની શેખી કરી છે, તેનો જવાબ વડાપ્રધાન મોદીએ આપ્યો છે. ભારતનું અર્થતંત્ર વિશ્વનાં અર્થતંત્રોમાં ત્રીજું સ્થાન મેળવવા થનગની રહ્યું છે, એમ કહીને વડાપ્રધાને ભારતમાં સ્વદેશી ભાવના જગાવી, લલકારી છે. આત્મનિર્ભર ભારત બનવા સાથે લોકોએ સ્વદેશી માલસામાન ખરીદવાનું અભિયાન - આંદોલન શરૂ કરીને આપણા અર્થતંત્રને વિશ્વમાં ત્રીજા નંબરે મૂકવા માટે ગતિમાન બનાવવાની હાકલ કરી છે. વારાણસીમાં જાહેરસભામાં બોલતાં એમણે કહ્યું છે કે, આજે વિશ્વમાં આર્થિક અસ્થિરતા અને અનિશ્ચિતતા વધી રહી છે, દરેક દેશ પોતાના હિતને પ્રાધાન્ય આપે છે, તેવી જ રીતે આપણે પણ સ્વદેશીને જ કેન્દ્રમાં રાખવાની અને સ્વદેશી માલ ખરીદવાનો અડગ નિર્ધાર રાખવો જોઈએ. આપણી નિકાસ ઉપર ટ્રમ્પે 25 ટકા જકાત નાખવાની જાહેરાત કરી છે, પણ કૃષિ ક્ષેત્ર, ડેરી ઉદ્યોગ અને આપણા મધ્યમ - લઘુ ઉદ્યોગોને રક્ષણ આપવાનો નિર્ણય છે, તેમાં નમતું જોખવા તૈયાર નથી. વાસ્તવમાં મોદી સરકારે કૃષિ સુધારાના વિરોધમાં કિસાન આંદોલન અને વિરોધ પક્ષોનું રાજકારણ જોયું છે અને કિસાનોને લાભકર્તા જંગી આર્થિક સહાય આપી છે. અત્યાર સુધીમાં રૂા. 3.75 લાખ કરોડ કિસાનોનાં ખાતાંમાં જમા કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં જ 2.5 કરોડ કિસાન લાભાર્થી છે. કિસાન સન્માનનિધિ કાર્યક્રમ હેઠળ 9.7 કરોડ કિસાનને બેન્ક ખાતાંમાં 20,500 કરોડ ટ્રાન્સફર કરીને મોદીએ કહ્યું છે કે, આપણા કિસાનોના હિતના ભોગે અમેરિકાને ખુશ કરવાનો સવાલ જ નથી. આપણા પશુપાલકોએ દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને ડેરી ઉદ્યોગ વિકસ્યો છે, વિશ્વની બજારમાં પ્રવેશ કર્યો છે, ત્યારે અમેરિકાને પ્રવેશ આપી શકાય નહીં. આપણા લઘુ તથા મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને રક્ષણ અપાય છે, પ્રોત્સાહન અપાય છે, ત્યારે અમેરિકી માલની આયાત છૂટ આપીને દેશમાં બેકારી વધારવાનો નિર્ણય લેવાય જ નહીં. આ ત્રણ બાબત ઉપર ટ્રમ્પનો હઠાગ્રહ છે, પણ એમના અર્થતંત્રને ઉગારવા માટે આપણે ડૂબવાની જરૂર નથી. ભલે ટ્રમ્પ કહેતા હોય કે ભારતનું અર્થતંત્ર ડૂબી રહ્યું છે - અને ભલે રાહુલ ગાંધી ટ્રમ્પના કથનને સમર્થન આપતા હોય - વડાપ્રધાન મક્કમ છે અને નમતું જોખવા તૈયાર નથી.સ્વાતંત્ર્ય આંદોલન વખતે મહાત્મા ગાંધીજીએ `સ્વદેશી'ની હાકલ કરી હતી અને વિદેશી કાપડની હોળી થઈ હતી. હવે આર્થિક આઝાદીના રક્ષણ અને આબાદી માટે મોદીએ સ્વદેશી અભિયાનની હાકલ કરી છે. ઉત્સવના દિવસો આવી રહ્યા છે, ત્યારે આપણે ઘરની સજાવટમાં પણ સ્વદેશીનો ખ્યાલ રાખીએ. વિદેશોમાં લગ્નસમારંભ યોજવાને બદલે સ્વદેશમાં જ ઊજવીને સ્વદેશાભિમાનથી વિદેશી ટેરિફ આતંકનો પ્રતિકાર કરીએ - એવો સ્પષ્ટ સંદેશ છે. 

Panchang

dd