ભચાઉ, તા. 7 : ભચાઉ ના ઐતિહાસિક કંથડનાથ દાદાના ડુંગર ઉપર ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સાંજે શરૂ થયેલા મેળામાં ભાવિકો સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મુંબઈ સ્થિત પાટીદાર પરિવાર અને ભચાઉના પરિવારો એ પણ દાદાને શીશ જુકાવ્યું હતું. રાપરના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ બહાદુરાસિંહ જાડેજાએ કંથડનાથજીના શિખરે ધજા ચડાવીને દર્શન કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય એ 20 લાખ રૂપિયા ની ગ્રાન્ટ કંથડનાથજીના કિલ્લા ઉપર વિકાસના કામો માટે ફાળવવા જાહેરાત કરી હતી. આ રકમમાંથી ગઢરાંગ દીવાલ ઊચી કરાશે અને મંદિર પરિસર ની બાજુ ની જગ્યામાં સત્સંગ ખંડ નું નિર્માણ તેમજ મંદિરે દર્શને આવતા જતા દર્શનાર્થીઓને અનુકૂળતા રહે તે પ્રકારના પગથિયા બનાવવામાં આવશે. આ માટે નગરપાલિકાના અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર ને રજૂઆત બાદ આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. આ પ્રસંગે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઇ રાઠોડ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીલુભા જાડેજા, મેળા સંચાલક પૈકીના પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં અનેક નાના મોટા બાળકો માટેના મનોરંજનના સાધનો, ખાણી-પીણી, રમકડા સ્ટોલ ધારકોને સારી એવી આવક થઈ હતી.અહીં ભવાની માતાજી મંદિર,ચંદ્ર મૌલેશ્વર મહાદેવ ની વિશાળ પ્રતિમા, અને માતાજીના મંદિરના ભાવિકોએ દર્શન કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ જાડેજાએ કંથડનાથ કીલા પરિસર વધુ રમણીય,દર્શનીય બનાવાશે તેમ જણાવ્યું હતું.