ભુજ, તા. 7 : કચ્છમાં નશાખોરીની બદી વકરી
છે. માદક પદાર્થ પકડાવાના બનાવો રોજિંદા બન્યા છે. મુંદરામાં કુરિયર મારફત પાંચ કિલો
ગાંજો મગાવ્યા બાદ એક શખ્સ ઝડપાયો હતો તથા બે સહઆરોપી અને મોકલનારના નંબર મળતાં ચાર
વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. બીજીતરફ ભુજમાંથી 93 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ પકડાયો છે. ગઇકાલે એસઓજીની ટીમ મુંદરા
વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે શિવશક્તિ હોસ્પિટલવાળી શેરીમાંથી
આરોપી સૂરજકુમાર રામબલમ સાહ (રહે. નાના કપાયા, મૂળ બિહાર)ને માદક પદાર્થ ગાંજો 5.012 કિ.ગ્રા. કિં. રૂા. 50,120ના મુદ્દામાલ સાથે ઝડપી પૂછતાછ કરતાં આ ગાંજો આઠેક દિવસ પહેલાં
તેના મિત્રો આકાશ પાસવાન તથા ગબ્બર (રહે. બંને મોટા કપાયા)એ મો.નં. 84880 58648વાળાના ધારક મારફતે કુરિયરથી
મગાવ્યો હતો. આ ડિલિવરી લેવા જવા માટે તેને કમિશન આપશે તેવું જણાવ્યું હતું. આજે મુંદરામાં
ડિલિવરી તે લેવા ગયો હતો. આમ, સૂરજકુમારને
ગાંજાનો જથ્થો, મોટરસાઇકલ, મોબાઇલ અને રોકડા
રૂા. 500ના મુદ્દામાલ સાથે ઝડપી ચારે
વિરુદ્ધ મુંદરામાં એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. બીજીતરફ, ગઇકાલે ભુજના સંજોગનગરમાં ઝકરિયા મસ્જિદની બાજુમાં
રહેતા રફીક ઇશબ જુણેજાને તેના મકાનમાંથી માદક પદાર્થ ગાંજો 93.45 ગ્રામ કિં. રૂા. 935ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન
પોલીસે ઝડપી એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.