નવી દિલ્હી, તા. 7 : સુપ્રીમ કોર્ટે
ગુરુવારે જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ
ડાયરેક્ટોરેટ (ઈડી) કોઈ બદમાશની જેમ કામ કરી ન શકે. ઈડીએ કાયદાની મર્યાદામાં રહીને
કામગીરી કરવાની રહે છે. ઈડીની છબી માટે ચિંતિત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે,
કાયદો લાગુ કરનાર અને કાયદાનો ભંગ કરનાર એકમો વચ્ચે અંતરે હોય છે. સંસદમાં
એક મંત્રીનાં નિવેદનથી પણ સત્ય સાબિત થઈ ગયું કે, પાંચ હજાર મામલામાંથી
10 કરતાં પણ ઓછા કેસમાં દોષ સાબિત
થઈ શક્યા, તેવું સર્વોચ્ય અદાલતે જણાવ્યું હતું. જો કે,
એ દરમ્યાન અધિક સોલિસીટર જનરલ એસ.વી. રાજુએ ઈડીનો બચાવ કરતાં જણાવ્યું
હતું કે, અમીર અને શક્તિશાળી લોકો સારા વકીલો રોકે છે અને ઘણી
અરજીઓ દાખલ કરી નાખે છે. આવા વગદારો ટ્રાયલકોર્ટમાં કેસ પણ ચાલવા નથી દેતા અને વિલમ્બ
કરાવે છે, એ જ કારણે નાણાની ગેરકાયદે હેરફેર જેવા કેસોમાં દોષસિદ્ધિનું
પ્રમાણ ઓછું હોય છે, તેવું રાજુએ સ્પષ્ટ કર્યું હતું. એસ.વી.
રાજુએ સુપ્રીમ કોર્ટને સમીક્ષા અરજીઓ પર વિચાર નહીં કરવાનો અનુરોધ કરતાં કહ્યું હતું
કે, અરજીઓને છૂટ અપાય તો એ કેસના આદેશ ફરીથી લખવવા પડશે,
જેમને તેમણે પડકાર્યા છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ઉજ્જલ ભુઈયાં અને એન. કોટેશ્વર સિંહની ખંડપીઠે જુલાઈ 2022ના સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ
દાખલ અરજીઓ પર સુનાવણી કરતાં આવી ટિપ્પણી કરી હતી.