ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા ભારે વરસાદે સામાન્ય
જનજીવન ખોરવી નાખ્યું છે. નદીઓ ભયજનક રીતે ઊભરાઈ રહી છે. ઠેર ઠેર ભૂસ્ખલન, રસ્તા અવરોધાયા છે. નાનાં-મોટાં મકાનો જમીનદોસ્ત
થઈ ગયાં છે, એ વચ્ચે ગંગોત્રી માર્ગ પર ધરાલીમાં વાદળ ફાટ્યાં
પછી પ્રલય જેવી ભયાવહ હોનારત થતાં ચોમેર ભયનો માહોલ છે. આ લખાય છે ત્યારે સત્તાવાર મરણઆંક ભલે ચારનો છે, પણ એકસોથી વધુ લાપતા છે. સેનાનો હર્ષિલ કેમ્પ પણ મલબાના પૂરની હડફેટે આવી જતાં
અનેક જવાનનાં મોતની ભીતિ સેવાઈ રહી છે. આ દુર્ઘટના પછી દેશભરમાં ઉત્તરાખંડ પ્રત્યે
સહાનુભૂતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાળ રાજ્ય સરકારનો સંપર્ક સાધ્યો છે. બુધવારે
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સંકટગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને બચાવ-રાહત કામગીરી નજરે
નિહાળી. પેઢીઓથી રહી રહેલા સ્થાનિક નિવાસીઓ ઉપર જાણે મુસીબતોનો પહાડ તૂટી પડયો છે.
અપાર જળપ્રવાહ પ્રચંડ વેગ સાથે ખીણ તરફ ધસતો હોય ત્યારે રસ્તામાં આવતી દરેક ચીજ તણખલું
બનીને રહી જાય છે. જ્યાં હોટેલ, ઘર, મંદિર
જેવા અસંખ્ય મકાનો હતાં એ જગા મેદાનમાં ફેરવાઈ ગઈ. અનેક માણસો તણાઈ ગયા કે મલબામાં
દબાઈ ગયા છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય ક્ષેત્રોમાં વાદળ ફાટવાના બનાવોમાં
ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. આવો કુદરતનો કેર મોટાભાગે ચોમાસામાં જોવા મળે છે. વાદળ ફાટવાનો અર્થ છે ખૂબ ઓછા સમયમાં અને મર્યાદિત
વિસ્તાર ઉપર જ એક સાથે અનરાધાર વરસાદ ત્રાટકવો, આની પાછળ પ્રાકૃતિક
કારણો જવાબદાર હશે જ, પરંતુ મૂળ તો જળવાયુ પરિવર્તન, વિકાસ અને કમાણીની લ્હાયમાં ગેરકાયદે નિર્માણ કરવામાં પર્યાવરણ પ્રત્યે આંખ આડા કાન કરવા, જંગલોમાં છાસવારે લાગતી આગ, વૃક્ષોનું છેદન જેવી બાબતો
પણ એટલી જ જવાબદાર છે. અહીં એ નોંધનીય છે કે, હિમાલયની ગિરિમાળાઓમાં
વસેલાં રાજ્યો માટે સર્વોચ્ચ અદાલત ચેતવણી જારી કરી ચૂકી છે. શિમલામાં એક હોટેલ નિર્માણની
અરજી હાથ પર લેતાં સર્વોચ્ચ અદાલતે કડક ચેતવણી આપી હતી કે, મોટાપાયે
બાંધકામ, વિકાસ યોજનાઓથી પહાડો પર દબાણ આવી રહ્યું છે. વૈજ્ઞાનિક
દૃષ્ટિકોણ વિના આમ જ ચાલ્યા કરશે તો હિમાચલ પ્રદેશ દેશના નક્શામાંથી ગાયબ થઈ જશે. વાદળ
ફાટવાં કે પહાડો ધસવા જેવા બનાવોથી જીવન અને સંપત્તિને મોટું નુકસાન વેઠવું પડે છે.
આવી હોનારતોના વધતા પ્રમાણને જોતાં પહાડી ક્ષેત્રમાં કે નીચાણવાળા ભાગોમાં રહેનારા
લોકોને આગોતરી ચેતવણી આપતી પદ્ધતિ વિકસાવવી પડશે. ભારે વરસાદ કે અતિવૃષ્ટિ ફકત પર્વતીય
વિસ્તારો માટે જ નહીં, દેશના અન્ય ક્ષેત્રો માટે પણ આફત લાવે
છે. અતિભારે વરસાદ થતાં જ સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની જાય. વિકાસ ધોવાઈ જાય,
રસ્તા, પુલ તૂટી પડે, બધું
ડૂબી જાય, રસ્તા-નદી વચ્ચેનો તફાવત ભુંસાઈ જાય છે. આ પ્રક્રિયા
દર વર્ષે થતી રહે છે અને તેનાં કારણે દેશને અબજો રૂપિયાનું નુકસાન થાય છે. બિહાર અને
કોલકાતા જેવાં રાજ્યોમાં ચૂંટણી પૂર્વે મતદારયાદીની ચકાસણી ચૂંટણીપંચ દ્વારા કરવામાં
આવી રહી છે. એ રીતે દરેક રાજ્યોમાં, શહેર-ગામોમાં પાણીના વહેણની
પેટર્ન, રસ્તા-પુલની ઊંચાઈ, પાણી નિકાલની
વ્યવસ્થા, વહેણો પરનાં દબાણ દૂર કરવા જેવી ચકાસણી દ્વારા જનજીવન
સુરક્ષિત બનાવવાની જરૂર છે. પહાડોમાં કુદરત કહેર મચાવે છે, પણ
ગામ, શહેરોમાં ઊભી થતી જળભરાવની સ્થિતિ અને રસ્તા-પુલ તૂટવા માટે
તો આપણે-સંબંધિત તંત્ર જ જવાબદાર હોય છે તેનો વહેલી તકે કાયમી ઉપાય કરવાની તાતી આવશ્યકતા
છે.